ઐતિહાસિક યુધ્ધ જહાજ સંપૂર્ણપણે નામશેષ:નેવીનું વોર શીપ અલંગમાં ચાલુ માસાંતે સંપૂર્ણપણે નામશેષ થશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટે.-2020માં બીચ થયુ હતુ : સરકારી વિભાગોને જાણ કરાશે

ભારતીય નેવીમાં 30 વર્ષ સુધી સેવાઓ આપ્યા બાદ સેવાનિવૃત્ત થયુ અને બાદમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે લાવવામાં આવેલા ઐતિહાસિક યુધ્ધ જહાજ આઇએનએસ વિરાટ ચાલુ માસાંતે સંપૂર્ણપણે નામશેષ થઇ જશે. અલંગમાં ભાંગવા માટે આવેલા આઇએનએસ વિરાટને નામશેષ કરવા માટે છેલ્લા 11 માસથી 150 કામદારો સતત પ્રયત્નશીલ હતા. જહાજના અંતિમ ખરીદનાર અને શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર હવે માત્ર 5 ટકા જેટલું કટિંગ કામ બાકી છે જે ચાલુ માસાંત સુધીમાં સ઼પૂર્ણપણે પૂર્ણ થઇ જશે. અને તેના અંગે સંબંધિત સરકારી વિભાગોને જાણ કરવામાં આવશે.

વર્ષ-2019માં આ જહાજની પ્રથમ વખત હરાજી કરાઇ હતી જેમાં શ્રીરામ ગ્રુપ દ્વારા સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી. પરંતુ તે શિપની અપસેટ કિંમતથી ઓછી હોવાથી બીજી વખત ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. અને ફરી એક વખત 38 કરોડની સૌથી વધુ બોલી લગાવનાર શ્રીરામ ગ્રુપ દ્વારા આ જહાજ ખરીદવામાં આવ્યુ હતુ. બાદમાં મુંબઇની એનવીટેક મરિન દ્વારા આ જહાજને મ્યુઝિયમમાં તબદીલ કરવા માટે લાંબી કાનૂની લડત આપવામાં આવી હતી, તેના કારણે જહાજના કટિંગ કામકાજમાં વિક્ષેપ આવ્યો હતો.

28મી સપ્ટેમ્બર 2020ના રોજ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9માં વિરાટ બીચ કરાવવામાં આવ્યુ હતુ અને જહાજ પ્લોટથી ખાસ્સુ દૂર બીચ થયુ હતુ અને તેની કટિંગ કામગીરી શરૂ થતા દોઢ માસ જેટલો સમય વિતી ગયો હતો. 38000 મે.ટનના વિરાટને પધ્ધતિસર ભાંગવા માટે 11 માસ સુધી 150 કામદારો કામે લાગ્યા હતા. આઇએનએસ વિરાટની અંતિમ સફર અંગે સમગ્ર દેશનું ધ્યાન અલંગ તરફ કેન્દ્રીત થયુ હતુ અને તત્કાલીન શિપિંગ મંત્રી મનસુખભાઇ માંડવીયા સહિતના રાજ્યના મંત્રીઓ બીચિંગ સેરેમનીમાં ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...