તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવધર્મ:હત્યા થયેલા માતા પુત્રને ધર્મના ભાઈ થઈ દલિત યુવાને અગ્નિદાહ આપ્યો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેમને કંઇ લાગે વળગે નહીં તેવા યુવાનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા
  • બે દિવસ પૂર્વે હત્યા થયેલા માતા પુત્ર સાથે કોઈ સગાંસંબંધી નહીં હોવાથી યુવાનોએ તમામ વિધિ કરી માનવધર્મ નીભાવ્યો

નાતજાતના ભેદભાવ અને વર્ગ વિગ્રહ તેમજ સમાજવાદના વમળમાંથી હજુ આપણો દેશ બહાર આવ્યો નથી. ઊંચનીચના ભેદભાવ હજુ પણ યથાવત છે ત્યારે આ બધા વાદ વચ્ચે હજું માનવતાવાદ મરી પરવાર્યો નથી. બે દિવસ પૂર્વે બ્રાહ્મણ માતા પુત્રની થયેલી હત્યા બાદ અાજે તે બન્નેના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવા માટે કુંભારવાડા સ્મશાનમાં લવાયા હતા પરંતુ તેમના કોઈ સગા સંબંધી નહીં હોવાથી જેઓને કંઇ લાગતું વળગતું નથી તેવા બિનબ્રાહ્મણ દલિત, રબારી અને કોળી સમાજના યુવાનો ધર્મના ભાઈઓએ બન્ને મૃતકના અગ્નિસંસ્કાર કર્યા હતા.

શહેરના કુંભારવાડા સ્મશાનગૃહમાં સર ટી હોસ્પિટલના પીએમ રૂમમાંથી ફોન આવ્યો બે ડેડ બોડીના અગ્નિસંસ્કાર કરવાના છે તેને સ્મશાને મોકલીએ છીએ. જે બે મૃતદેહ બે દિવસ પૂર્વે હત્યા થયેલી બ્રાહ્મણ માતા-પુત્રના હતા. તેમની સાથે આવેલા યુવકોને સ્મશાનગૃહના ટ્રસ્ટી અરવિંદભાઈ પરમારે તેમના સગપણ પૂછ્યા. પરંતુ તે તમામ યુવકો મૃતકના કોઈ સગા થતા ન હતા.

માત્ર સેવા ભાવનાથી શિહોરના કોળી,રબારી અને દલિત સમાજના યુવાનો પ્રકાશ સરવૈયા દલિત, લલિત સરવૈયા દલિત, રાહુલ રબારી, શક્તિ રબારી, મુકેશ રબારી, અજય કોળી અને રાહુલ કોળી મૃતકોની અંતિમ વિધિ માટે આવ્યા હતા. મૃતકના કોઈ સગાવ્હાલા સાથે નહીં હોવાથી અરવિંદ પરમાર સિહોરના યુવાનોએ અને સ્મશાનના સ્ટાફ સહુ લાકડા, કોઈ ઘાસના પુળા તો કોઈ છાણા લાવવા લાગ્યા. એક તરફ શિવમ તો બાજુમાં તેની જનેતા અંકિતાબેન જોષીની ચિતા તૈયાર કરી. બન્ને મૃતકોની તમામ ધાર્મિક વિધિ કરી. અંતે ધર્મના ભાઈ એવા દલિત યુવક પ્રકાશ સરવૈયાએ ચિતાને અગ્નિ આપી. અગ્નિદાહ સમયે જે યુવકોને કોઈ સંબંધ નથી તેઓ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

આ હત્યાના કેસમાં માનવીનો ક્રુર અભિગમ બેનકાબ થયો છે તો બીજી તરફ આજના યુગમાં પણ માનવ ધર્મને સાચો માનનારા અને તેના રસ્તે ચાલવા વાળા પણ હયાત છે તે આજના આ બનાવ પરથી આ યુવાનોએ સાબીત કરી બતાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...