ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ગત તા.12 મેના રોજ ધો.12 સાયન્સ અને ગુજકેટની કસોટીનું પરિણામ બોર્ની વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરાયા બાદ હવે તા.21 મેને શનિવારે આ ધો.12 સાયન્સ અને ગુજકેટની પરીક્ષાના ગુણપત્રકો, એસઆર તથા પ્રમાણપત્રોને ભાવનગર સહિત તમામ જિલ્લાની ડીઇઓ કચેરી ખાત પહોંચતા કરવામાં આવશે.
આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ધો.12 સાયન્સના કુલ 95,982 અને ભાવનગર જિલ્લામાં કુલ 4275 વિદ્યાર્થીઓના ગુણપત્રકોનું વિતરણ થશે જેમાં ભાવનગરમાં આ વર્ષે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ, જેલ રોડ ખાતેથી વિતરણની કામગીરી કરવામાં આવેશ તેમ ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું હતુ.
ધો.12 સાયન્સની પરીક્ષામાં આ વર્ષે ભાવનગર જિલ્લામાં એ ગ્રુપમાં 1150 અને બી ગ્રુપમાં 3175 વિદ્યાર્થીઓ મળીને કુલ 4275 વિદ્યાર્થીઓ હતા અને તેમના ગુણપત્રકો અને પ્રમાણપત્રોનું વિતરણ થશે આ માટે વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમીક શાળાના આચાર્યોએ પોતાની શાળાનું પરિણામ/ગુણપત્રકો મેળવવા મુખત્યારપત્ર રજૂ કરવાના રહેશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે.
શાળાઓએ તા.23 મેને સોમવાર સુધીમાં ગુણપત્રકો, એસઆર અને પ્રમાણપત્રના વિતરણની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. ગુજરાત બોર્ડ દ્વારા અન્ય બોર્ડના ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ (પોસ્ટ) દ્વારા મોકલી આપવામાં આવશે. જેની આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ નોંધ લેવા જણાવાયું છે. ધો.12 સાયન્સ બાદ ડિગ્રી ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના ગુણપત્રકો અપાશે અને આ વર્ષે ભાવનગરમાં કુલ 4948 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.