તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્યાયની હારમાળાઓ:આલ્કોક બાદ હવે મરિન શિપ બિલ્ડિંગ પાર્ક બંધ

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવા ઉદ્યોગો લાવવામાં અસમર્થ નેતાઓ હયાતને પણ સાંચવી શક્તા નથી
  • શાસકો અવાજ ન ઉઠાવે, અન્ય રાજકીય પક્ષોનું મૌન અકળ

ભાવનગરની લલાટે અન્યાય લખાયો હોય તે રીતે જહાજ નિર્માણ અને મરામત અર્ધસરકારી કંપની આલ્કોક એશડાઉનને વિધિવત રીતે તાળા લાગી ગયા બાદ જૂના બંદર ખાતે આકાર લેનારા મરિન શિપ બિલ્ડિંગ પાર્કના પ્રોજેક્ટ પર પણ સરકાર દ્વારા ઠંડુ પાણી રેડી દેવામાં આવતા બાળમરણ થયું છે. નવાઇની બાબત એ છે કે, ભાવનગરની સાથે આટલા અન્યાય થતા હોવા છતા કોઇ રાજકીય પક્ષો પણ જનતાનો અવાજ બનીને સામે આવી રહ્યા નથી.

ભાવનગરના જૂના બંદર ખાતે આલ્કોક એશડાઉન શિપ બિલ્ડિંગ એન્ડ રિપેરિંગ યુનિટ ધમધમતુ હતુ, નેવીના 550 કરોડના પેન્ડિંગ ઓર્ડર હતા, જુદા જુદા તબક્કા સુધી બનાવેલા નાના જહાજો પણ યાર્ડમાં મોજુદ હતા. પરંતુ અચાનક સરકાર દ્વારા આ યાર્ડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપરાંત આલ્કોક એશડાઉનની સાથે સંકળાયેલા અનેક આનુષંગિક વ્યવસાયો, રોજગારીના સાધનો પણ અસરગ્રસ્ત બન્યા છે.

આલ્કોક એશડાઉનની બાજુમાં આવેલી જમીનથી નવા બંદર સુધીની દરિયાઇ ખાડીના મુખ પર આવેલી જમીન પર વર્ષ 2009માં મરિન શિપ બિલ્ડિંગ પાર્ક બનાવવાની ઘોષણા રાજ્ય સરકારના વાયબ્રન્ટ મહોત્વસમાં કરવામાં આવી હતી. તેમાં 7 મરિન શિપબિલ્ડિંગ યુનિટ બનાવવાની ઘોષણાઓ કરવામાં આવી હતી. વર્ષ 2009થી 2021 દરમિયાન મરિન શિપ બિલ્ડિંગ પાર્ક માટેની કાંઇપણ કામગીરી કરવામાં આવી ન હતી. જમીન સંપાદનની કામગીરીમાં પણ જિલ્લા કલેકટર તંત્ર અને જીએમબી વચ્ચે પત્રોચ્ચાર લાંખો સમય ચાલ્યો હતો. પરંતુ ગ્રાઉન્ડ રીઆલીટી શૂન્ય હતી.

અંતે તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રીએ સત્તાવાર રીતે જણાવ્યુ હતુકે, ભાવનગરમાં આકાર લેનાર મરિન શિપ બિલ્ડિંગ પાર્ક મોકૂફ રાખવામાં આવ્યો છે. આમ આલ્કોક એશડાઉન બાદ ટુંકા સમયગાળામાં ભાવનગરને સતત બીજો અન્યાય સહન કરવાનો વારો આવ્યો છે.

શાસક પક્ષના નેતાઓ તો પોતાની સરકાર સામે અવાજ ઉઠાવી ન શકે તે સમજી શકાય, પરંતુ અન્ય તમામ રાજકીય પક્ષોનું કામ જ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું, પ્રજાની વેદનાને વાચા આપવાનું હોય છે, પરંતુ દુ:ખની વાત એ છે કે અન્ય કોઇ રાજકીય પક્ષ દ્વારા પણ ભાવનગરને સતત થઇ રહેલા અન્યાય બાબતે ખોંખારો ખાઇને બોલવાની હિંમત દાખવી રહ્યા નથી. અને અન્યાયને સાથ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...