ગઇ કાલ સાંજથી ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાં વરસાદથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરુ થતા આ ડેમની સપાટી વધીને 27.2 ફૂટને આંબી ગઇ હતી. આ ઉપરાંત મહુવાનો માલટ ડેમ પણ 70 ટકા ભરાઇ ગયો હોય તેની હેઠવાસના વિસ્તારોમાં નદીના તટમાં અવરજવર ન કરવાનો વોર્નિંગનો મેસેજ જાહેર કરાયો છે. શેત્રુંજી ડેમમાં ગઇ કાલ મોડી સાંજથી 2030 ક્યૂસેક પાણીની આવક શરૂ થઇ હતી અને આજે સવાર સુધી આવક શરૂ રહેતા આ ડેમની સપાટીમાં 2 ઇંચનો વધારો થયો છે.
મહુવા તાલુકાનો રોજકી ડેમ 70% ભરાઈ ગયા બાદ ગઇ કાલે મહુવા તાલુકાનો માલણ જળાશય પણ 70% ભરાઈ જતા આ ડેમની હેઠવાસના વિસ્તારોમાં વોર્નિંગ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે. મહુવાના સિંચાઈ પેટા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માલણ ડેમ જેનું મહત્તમ લેવલ 33.96 ફૂટ છે તે ગઇ કાલે 30.04 ફૂટ ભરાઈ જતા 70% ભરાઈ ગયો છે અને આજે આ જળાશયમાં 46 ક્યસેક પાણીની આવક શરૂ હતી.
આથી મહુવાના આ માલણ ડેમના હેઠવાસના વિસ્તારમાં વોર્નિંગ આપવામાં આવી છે કે આ જળાશય પૂર્ણ સપાટીએ ભરાતા ઓવર ફ્લો થતાં નદીના પટમાં કે કાંઠાના વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં. માલણ ડેમ ઓવરફ્લો થતાં મહુવા તાલુકાના મોટાખુટવડા, ગોરસ, સાંગાણીયા, લખુપુરા, કુંભણ, નાનાજાદરા, તાવીડા, મહુવા અને કતપર ગામને અસર થવાની સંભાવના છે.
આ ઉપરાંત મહુવા તાલુકાના જ બગડ જળાશયમાં વરસાદી પાણીની આવક વધતા અગાઉ આ ડેમનો ઓવરફ્લો વધારવામાં આવ્યો છે. બગડ ડેમમાં હાલ પાણીની આવક અને જાવક 211 ક્યુસેકની છે તેમ ભાવનગર સિંચાઇ વર્તુળ યોજનાના ડ્યુટી ઓફિસરે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.