ચૂંટણી જંગ માટે ચિત્ર સ્પષ્ટ:છેલ્લી ત્રણ ચૂંટણીમાં આ વખતે જિલ્લામાં સૌથી ઓછા ઉમેદવાર

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરની બે બેઠક પર 14 ઉમેદવાર હતા તે 23 ઉમેદવાર થઇ ગયા
  • શહેરમાં ઉમેદવારી માટે રસ વધ્યો, ગ્રામ્યમાં ઘટ્યો
  • ઈ.સ. 2012માં ભાવનગરમાં 72 ઉમેદવારો હતા, 2017માં 71 અને આ વખતે ઉમેદવારોની સંખ્યા 66 થઇ

ભાવનગર જિલ્લામાં તા.1 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે મતદાન છે ત્યારે જિલ્લાની 7 બેઠક પર આજે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો આખરી દિવસ હતો ત્યારે મોડી સાંજે સ્પષ્ટ થયેલા ચિત્ર મુજબ જિલ્લાની 7 બેઠક પર કુલ 66 ઉમેદવારો ચુંટણી જંગમાં છે. ગત 2017ની ચૂંટણીમાં 7 બેઠક માટે 71 ઉમેદવારો હતા. તો 2012માં 72 ઉમેદવાર હતા. નોંધપાત્ર બાબત એ છે કે ભાવનગર પૂર્વ જ્યાં ગત ચૂંટણીમાં માત્ર 4 જ ઉમેદવાર હતા ત્યાં બમણાથી વધુ 10 ઉમેદવારે ચૂંટણીમાં રસ દર્શાવ્યો છે.

જ્યારે ભાવનગર પશ્ચિમ જ્યાં ગત વખતે 10 ઉમેદવાર હતા ત્યાં વધીને 15 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. ચુંટણીના ગણિતમાં આ વખતે મતોને જ્ઞાતિના આધારે બેલેન્સ કરવા માટે પણ ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમમાં ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યાં છે. જેમ કે ભાવનગર પશ્ચિમમાં પાટીદાર, ક્ષત્રિય અને કોળી ઉમેદવાર વચ્ચે જંગ છે ત્યારે જ્ઞાતિના સમીકરણો માંડીને કુલ 15 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. તો ભાવનગર પૂર્વમાં ગત વખતે માત્ર ચાર ઉમેદવાર હતા ત્યારે આ વખતે 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. આમ, આ બેઠક પર બમણા ઉમેદવારો ઉભા રહ્યાં છે.

ભાવનગર જિલ્લામાં ઇ.સ.2002થી ઇ.સ.2017 સુધીની ચાર વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં એક વિધાનસભા દીઠ સર્વાધિક ઉમેદવાર 2017ની ચૂંટણીમાં પાલિતાણામાં નોંધાયેલા તે વખતે પાલિતાણા બેઠક પર કુલ 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. તો 2012માં ગારિયાધાર બેઠક પર 15 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ હતો. તો આ વખતે ભાવનગર પશ્ચિમમાં 15 ઉમેદવાર છે.

જિલ્લાની સાત બેઠકો પર કુલ 66 ઉમેદવારો
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના સેજલબેન પંડ્યા, કોંગ્રેસમાંથી બળદેવ સોલંકી, આપમાંથી હમીર રાઠોડ, એનસીપીમાંથી અરૂણ મહેતા, બસપામાંથી કિશોરસિંહ ગોહિલ સહિત 8 ઉમેદવારો, ભાવનગર પશ્ચિમમાં ભાજપમાંથી જીતું વાઘાણી, કોંગ્રેસમાંથી કે.કે.ગોહિલ, આપમાંથી રાજુ સોલંકી, બસપામાંથી દિનેશ રાઠોડ, એનસીપીમાંથી મનહર રાઠોડ સહિત 15, ભાવનગર ગ્રામ્યમાં ભાજપમાંથી પરસોતમભાઈ સોલંકી, કોંગ્રેસમાંથી રેવતસિંહ ગોહિલ, આપમાંથી ખુમાનસિંહ ગોહિલ, બસપામાંથી અશોક મકવાણા સહિત 6, મહુવામાં ભાજપમાંથી શીવાભાઈ ગોહિલ, કોંગ્રેસમાંથી ડો. કનુભાઈ કળસરિયા, આપમાંથી અશોક જોળિયા સહિતના 10 ઉમેદવારો, પાલીતાણામાં ભાજપમાંથી ભીખાભાઈ બારૈયા, કોંગ્રેસમાંથી પ્રવીણભાઈ રાઠોડ, આપમાંથી જીણાભાઈ ખેની, બસપામાંથી નરેશ પરમાર સહિત સાત ઉમેદવાર, તળાજા બેઠકમા ભાજપમાંથી ગૌતમભાઈ ચૌહાણ, કોંગ્રેસમાંથી કનુભાઈ બારૈયા, આપમાંથી લાલુબેન ચૌહાણ સહિત 10 ઉમેદવાર, ગારીયાધાર બેઠક પર ભાજપમાંથી કેશુભાઈ નાકરાણી, કોંગ્રેસમાંથી દિવ્યેશ ચાવડા, આપમાંથી સુધીરભાઈ વાઘાણી અને બસપામાંથી કિશોર કંટારીયા સહિત 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

અન્ય સમાચારો પણ છે...