હાડમારી:82 લાખના ખર્ચે ત્રણ વર્ષ પહેલા બનેલો કોટડાનો રોડ ઉંટ સવારી જેવો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સભ્યોએ પણ ચુપકીદી સેવી, તંત્રની બેદરકારીથી લોકો પરેશાન
  • ગ્રામ્ય વિસ્તારમાં લાખો-કરોડોના ખર્ચે બનેલા રોડની હાલત બદતર

ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જાણે કોઈ તપાસ જ ના થવાની હોય તેમ રોડના કામમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી છે. તેમાં પણ ભાવનગર તાલુકાના કોટડા ગામમાં પંચાયત દ્વારા ત્રણ વર્ષ પૂર્વે રૂ.82.24 લાખના ખર્ચે બનાવેલો રોડ તો જાણે અદ્રશ્ય થઈ ગયો હોય તેમ સ્થળ પર રોડનું નામો નિશાન રહ્યું નથી. જે તંત્રની બેદરકારી અને કામની નબળી ગુણવત્તાની ચાડી ફુંકે છે.

ભાવનગર જિલ્લામાં વરસાદે તંત્રની બેદરકારીની જાણે પોલ ખોલી નાખી હોય તેમ ગામે ગામ અને તાલુકાને જોડતા મુખ્ય રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયાં છે. માત્ર કોન્ટ્રાક્ટરની જ ક્ષતિ નહીં પરંતુ તંત્ર વાહકો અને પંચાયતના સભ્યો પણ એટલા જ દોષિત છે. રોડની આટલી દયનિય હાલત છતાં કોઈ સભ્ય ઉંઁ કે ચાંઁ પણ નથી કરતું. ભાવનગર તાલુકાના કોટડા ગામે સ્પેશિયલ રોડ રિપેરિંગ હેઠળ ગત વર્ષ 2018માં રૂ. 82.24 લાખના ખર્ચે રોડ બનાવ્યો હતો.

પરંતુ હાલમાં આ સ્થળ પર રોડ નેસ્ત નાબુદ થઇ ગયો છે. રાહદારી તો ઠીક પરંતુ વાહન ચાલકોએ તો અા રોડ પર વાહન ચલાવવું ભારે મુશ્કેલીરૂપ બન્યું છે. છતાં જિલ્લા પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

કામ પૂર્ણ થયા બાદ ચાર મહિને કામ શરૂ થયું
કોટડા રોડનું રૂ.82,24,183 ના ખર્ચે કામ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તક કરવામાં આવ્યું હતું. અને નિયમ અનુસાર સ્થળ પર કામના વિગતનું બોર્ડ પણ લગાવેલું છે. પરંતુ તે બોર્ડ જ મોટી ભુલ ભરેલું છે. અને વર્ષોથી યથાવત સ્થિતિએ હોવા છતાં તંત્રને પણ ધ્યાનમાં નહીં આવ્યું તે જ તંત્ર દ્વારા સુપરવિઝન નહીં કર્યાનું દેખાડે છે. રોડનું કામ તા.15-9-2018 ના રોજ શરૂ થયું અને તા.14-5-2018 ના રોજ પૂર્ણ થયાનું બોર્ડમાં કોન્ટ્રાક્ટર દ્વારા દર્શાવ્યું છે. તે મુજબ તો કામ શરૂ થયાના ચાર મહિના પહેલા તો પૂર્ણ પણ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...