સમસ્યા:ગોહિલવાડના માર્ગો પર રખડતા ઢોરોનું સામ્રાજય, જિલ્લામાં ટ્રાફિકને અડચણરૂપ ઢોરો અંગે પગલા લ્યો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહુવા - Divya Bhaskar
મહુવા
  • જો જો માર્ગ પરથી નિકળવામાં કયાંક ઢોરની અડફેટે ચડી ન જવાય
  • મહુવા,તળાજા,સિહોર,ગારિયાધાર,વલભીપુર સહીતના શહેરોમાં રસ્તા વચ્ચે ઢોરોના અડીંગા લોકો માટે આફતરૂપ

ચોમાસુ આવે એટલે શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે.અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે.કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોશ લોકો ભોગ બનતા હોય છે જેથી તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવા જોઇએ.

તળાજા
તળાજા

તળાજામાં જનતા રખડતા ઢોરથી ત્રાહિમામ
છેલ્લા વર્ષોમાં તળાજા તાલુકામાં શહેરી વિસ્તારમાં રખડતા-ભટકતા ખુંટીયાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તળાજામાં જાહેર રોડ પર, રહેણાંકી વિસ્તારમાં તેમજ શાકમાર્કેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં રઝળતા ઢોર કોઇપણ સમયે આવેશમાં આવી જઇ રાહદારીઓને અડફેટે લઇ અકસ્માત કે ઇજા કરી દે છે. રહેણાકી વિસ્તારમાં ટોળા મોઢે ફરતા ખુંટીયાઓ ઘણી વખત મહીલાઓ, બાળકો, અશકતોને ભય પ્રેરી ઘાયલ કરી દેવાનાં બનાવો વધતા જાય છે.ગૌવંશમાં બળદનું મહત્વ સમજીને અગાઉ ખેતીમાં ખેડ, કોસથી પિયત અને ગાડાઓમાં બળદ જોડીને ખેત જણસોનાં વહન તરીકે ઉપયોગ થતો હતો.

ગારીયાધાર
ગારીયાધાર

ગારિયાધારમાં ઢોરને પકડવામાં તંત્ર શિથીલ
ગારિયાધારમાં રખડતા આખલાથી લોકો તોબા પોકારી ગયા છે. અનેક વખત આખલા ઝઘડાને કારણે નાના મોટા અકસ્માતો થાય છે છતાં પણ તંત્ર દ્વારા આવા આખલાઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવતી નથી.આ બાબતે તંત્ર વહેલી તકે રખડતા માલઢોરને પકડવાની કાર્યવાહી કરે તેવી શહેરીજનોની માંગણી છે.જ્યારે આ બાબતે નગરપાલિકાનાં હેડ કલાર્ક એલ.આર.મહેતા સાથે વાતચીત કરતાં તેમનાં દ્ધારા જણાવ્યું હતુ કે શહેરમાં રખડતાં માલઢોરને પકડવાની ઝુંબેશ ટુક સમયમાં હાથ ધરવામાં આવશે. લોકોને વહેલીતકે રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવે તેવી તંત્ર પાસે અપેક્ષા છે.

વલભીપુર
વલભીપુર

વલભીપુરમાં શાકમાર્કેટ અને હાઇવે પર ઢોરનો અડીંગો
વલભીપુરમાંથી પસાર થતા ભાવનગર-અમદાવાદ હાઇવે તેમજ શાકમાર્કેટ આસપાસ અડીંગો જમાવીને બેસી રહેતા રેઢીયાર ઢોરોનો રાહદારીઓ અને વાહન ચાલકોને ખુબજ મુશ્કેલી પડે છે વાહન ચાલકો રોંગ સાઇડમાંથી વાહન ચલાવા મજબુર થયું પડે છે તો રાહદારીઓને તો વાહન અને ઢોર બન્નેની ઝપટે ન ચડીયે તેવી સાવચેતી રાખવી પડે છે. આવી સ્થિતીમાં સહજ પ્રશ્ન આમ જનતાને થાય છે કે, આખરે આ ઢોરોને ડબ્બે પુરવાની જવાબદારી કોની? જનતાને આ સમસ્યામાંથી વહેલીતકે છૂટકારો મળે તેવી માંગ છે.

સિહોર
સિહોર

સિહોરમાં ઢોરના ત્રાસને દુર કરવા તંત્ર કાર્યવાહી કરશે
સિહોરમાં રોડ પર રખડતા ઢોરના ત્રાસને કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ આખલાઓ અંદરોઅંદર લડતા હોય છે. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સિહોરની મેઇન બજાર આમેય સાંકડી છે.ગામડાઓના હટાણાનું કેન્દ્ર .અને તેમાં આખો દિવસ રાહદારીઓ અને વાહનચાલકોની ભારે ભીડ રહેતી હોય છે. વડલા ચોક પાસે તો અનેક નાના-મોટા અકસ્માતો થાય છે. નગર પાલિકાના ચિફ ઓફીસર કે.કે.સોલંકીનાજણાવ્યાનુસાર સિહોર નગરપાલિકા હદ વિસ્તારમાં જયાં-જયાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે તેવા ઢોરને પકડવા માટે આગામી દિવસોમાં નગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે.

મહુવામાં તંત્રને કાર્યવાહી કરવી છે પણ સાધનો નથી
મહુવા શહેરમાં કાયમી ધોરણે રખડતા ઢોર ખાસ કરીને ખુંટીયાના ત્રાસથી પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. મહુવા નગરપાલિકા દ્વારા મહુવા શહેરને ખુંટીયા મુક્ત કયારે કરશે ? તેવા પ્રશ્નના જવાબમાં ટાચા સાધનો, પાંજરાપોળમાં જગ્યા, નિષ્ણાત માણસોનો અભાવ આપવામાં આવે છે.મહુવાના જાહેર માર્ગો અને ચોગાનોમાં રખડતા અને રોડ ઉપર અડ્ડો જમાવી રોડને જામ કરી બેસી રહેતા પશુઓનો ત્રાસ બેહદ વધ્યો છે.આ માટે રખડતા પશુઓ પકડવા કોઇ ખાનગી એજન્સીને ઇજારો આપવાની જરૂર છે. મહુવા નગરપાલિકા દ્વારા ખુંટીયા પકડવાની કામગીરીનો માત્ર દેખાડો કરવામાં આવે છે. ચિફ ઓફીસર સંજયભાઇ પટેલે આ અંગે જણાવ્યું હતું કે ચોમાસાના કારણે ઢોર પકડતા નથી.

અન્ય સમાચારો પણ છે...