વિરોધ:ઇજનેરોના અપહરણ થશે તો બાંધકામ વ્યવસાયને થશે અસર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈન સમાજે પોલીસની ઝડપી કામગીરીને બિરદાવી
  • ​​​​​​​વણિક ઇજનેરના અપહરણ સામે પીએટાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો, સુરક્ષા મજબૂત કરવા માગ

ભાવનગર શહેરમાં ગઇ કાલે વણિક ઇજનેરના અપહરણ વિષેના સમાચારથી શહેરના ઇજનેરો અને આર્કિટેક્ટસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાનો વિરોધ કરતા ભાવનગર પ્રેક્ટિસિંગ એન્જિનીયર્સ આર્કિટેક્ટ એન્ડ ટાઉન પ્લાનર્સ એસોસિએશન (પીએટા)એ સખ્ત વિરોધ વ્યક્ત કર્યો છે અને ઘટનાને વખોડીને જણાવ્યું છે કે જો આવી ઘટનાઓ વારંવાર બનશે તો શહેરના બાંધકામ વ્યવસાયને ભારે નુકશાન પહોંચશે તેવી દહેશત છે.

શહેર સમાજ અને રાષ્ટ્રના વિકાસની દોડમાં ઇજનેરો કે આર્કિટેક્ટ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે કોઇ પણ ઇજનેર કે આર્કિટેક્ટ નિર્ભય અને સલામતી સાથે પોતાનો વ્યવસાય કરી શકે એ રાષ્ટ્ર સમાજ કે શહેરના હિતમાં છે. આથી આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે પીએટા સંસ્થા શહેરના સ્થાનિક અને રાજ્ય સરકારને પણ તાકીદ કરી છે તેમજ ગુનેગાર સામે કઠોર પગલા લેવા માગ પણ પીએટાના પ્રમુખ ભાવેશ વ્યાસ અને સેક્રેટરી જ્યોતીન્દ્ર અજવાળીયાએ જણાવ્યું છે.

દરમિયાનમાં ભાવનગર જૈન સમાજના અગ્રણી એન્જિનિયર મીલનભાઈ શાહના અપહરણ અને ખંડણી કેસનો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, જિલ્લા પોલીસ અધિક્ષક અશોકકુમાર યાદવ, ડી એસ પી રવીન્દ્ર પટેલ, એ એસ પી શફી હસન તેમજ સમગ્ર એલસીબી ટીમ અને પોલીસ ડિપાર્ટમેન્ટની સમય સૂચકતા અને જહેમતથી 24 કલાકમાં આરોપીને પકડવા બદલ સમગ્ર જૈન સમાજે આભાર વ્યક્ત કર્યો છે. ભાવનગર શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસંઘ અને ભાવનગર સ્થાનકવાસી જૈન સંઘના હોદ્દેદારોએ પોલીસની કામગીરીને બિરદાવી છે.

ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવે એ પણ ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રને જરૂરી તમામ પગલા લેવા જણાવ્યું હતું દરમિયાનમાં પોલીસ તંત્ર તરફથી જણાવાયું છે કે આ બનાવમાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા હતા પરંતુ ઇન્ટ્રોગેશન અને બીજી કામગીરી ચાલતી હોવાથી હોવાથી પોલીસ તપાસના કામમાં હતી પોલીસે ઢીલી નહીં પણ ઝડપી કામગીરી કરેલ છે

અન્ય સમાચારો પણ છે...