ભાવનગર શહેરને સ્વચ્છ શહેરોમાં દેશના અન્ય મહાનગરોની હરોળમાં અગ્રસ્થાને લઈ જવા માટે ભાવનગર કોર્પોરેશન લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે નિતનવા અખતરા પણ અજમાવે છે પરંતુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની દાનત કોરી હોય તેમ ગાર્બેજ સિટીના સર્વે માટે મધ્યપ્રદેશથી આવેલી ટીમનું કામ ભાવનગર કોર્પોરેશનના સેનેટરી ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. તે જ સર્વેનું ડિંડક હોવાનું પ્રતિપાદિત કરે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર શહેરોને સ્વચ્છ બનાવવા માટેનો અભિગમ અપનાવી સ્વચ્છતા સર્વેક્ષણ અને ગાર્બેજ ફ્રી સીટીના સર્વેની કામગીરી હાથ ધરી છે. દર વર્ષે દેશભરના નગરો અને મહાનગરો વચ્ચે સ્વચ્છતા બાબતની સ્પર્ધા યોજાય છે.
ભાવનગર મહાનગરપાલિકા સ્વચ્છતામાં આગળ ચોક્કસ પણે ધપી રહ્યું છે. પરંતુ જગજાહેર કચરાના ઢગલાઓ, ભિના અને સૂકા કચરોનુ સેગ્રીગેશન, ધૂળ ખાતા સ્વચ્છતાના સંસાધનો, સફાઈ કામદારોની ઘટ, ખોરંભે ચડેલી ડમ્પિંગ સાઇટ, અસુવિધાથી ભરપૂર જાહેર શૌચાલયો અને ટોયલેટ, કંસારામાં વહેતી ખુલ્લી ગંદકી સહિતની અનેક બેદરકારી હોવા છતાં તે સંદર્ભે કામગીરી કરવાને બદલે ખોટી રીતે સ્વચ્છતા સર્વેક્ષણ અને ગાર્બેજ ફ્રી સિટીમાં ભાવનગર નો ક્રમ આવે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.
છેલ્લા બે દિવસથી ગાર્બેજ ફ્રી સીટી માટે મધ્યપ્રદેશથી ત્રણ વ્યક્તિઓની ટીમ ભાવનગર આવી છે. ખાનગી હોટલમાં રહી ભાવનગરના ગાર્બેજ થી સીટી સંદર્ભે સર્વે કરી રહ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત તો તે છે કે, સર્વે માટે આવેલી ટીમે પોતાના મોબાઈલ કે જે મોબાઇલ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી લોકોનો ફીડબેક લેવાનો હોય તેમજ ગંદકી અને સ્વચ્છતાના ફોટા અપલોડ કરવાના હોય તે મોબાઇલ ભાવનગર કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના એન્જિનિયર અને સેનેટરી ઈન્સ્પેકટરને સરવે માટે આવેલી ટીમના મોબાઈલ આપીને કોર્પોરેશનની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
ત્રણથી ચાર સેનેટરી ઈન્સ્પેક્ટર અને બેથી ત્રણ એન્જિનિયર દ્વારા સર્વેની ટીમના મોબાઇલ લઇ જુદા જુદા વિસ્તારોમાં ફરી જાણીતા વ્યક્તિઓ અને સફાઇ કામદારોના ફીડબેક લેવામાં આવી રહ્યા છે. સ્વચ્છ થયેલા વિસ્તારોના અને જાહેરમાં મૂકેલી ડસ્ટબીનો તેમજ જે વાસ્તવમાં નથી તે ટેમ્પલ બેલમાં કરવામાં આવતું સેગ્રીગેશન સહિતના ફોટાઓ પાડી અપલોડ કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણ અને ગાર્બેજ ફ્રી સીટી માટેનું સર્વેનું ડિંડક ચાલી રહ્યાનું બહાર આવ્યું છે.
નવી લીટરબીન મુકી ફોટા પાડ્યા
સર્વેમાં ભાવનગર કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી સારી દેખાય તે માટે જાહેર સ્થળો પર રાખવામાં આવેલી તૂટેલી લીટરબીનને ઉઠાવી તેની જગ્યા પર નવી મૂકી તેમાં કચરો નાખી ફોટા પાડી તે અપલોડ કર્યા બાદ ત્યાંથી ઉઠાવી લઈ અન્ય સ્થળે મૂકવામાં આવે છે. આવી રીતે સર્વેનું ડિંડક ચાલી રહ્યું છે.
સેગ્રીગેશન, ફિડબેક સહિતની કામગીરી ટીમ કરે
ગાર્બેજ ફ્રી સીટના સર્વે માટેની ટીમ ભાવનગર આવ્યા છે પરંતુ તંત્ર અને તે બાબતની કોઇ જાણ કરવામાં આવે નહીં. ટીમ દ્વારા શહેરમાં સ્વચ્છતા બાબતના ફીડબેક, સેગ્રીગેશન, ટેમ્પલ બેલ, ડસ્ટબીનની ચકાસણી સહિતની કામગીરી કરી સર્વે કરવામાં આવે છે.> સંજય હરિયાણી, કાર્યપાલક ઈજનેર સોલિડ વેસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.