તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાવાઝોડાએ રાણીગામને ખેદાન મેદાન કર્યું પણ સહાય ચુકવવાપાત્ર નહીં !

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર અને જિ. વિ.અધિકારી કચેરીએ ધામા નાખશે
  • રાણીગામના લોકોની નુકસાન માટેની રજૂઆત બાદ ધરાર રિસર્વે પણ કરાયો હતો

સરકાર દ્વારા વાવાઝોડા સમયે અસરગ્રસ્તોને મદદરૂપ થવાની મોટી મોટી જાહેરાતો તો કરી પરંતુ તેનું સંપૂર્ણ અમલ થયું નહીં હોવાનું જેસરના રાણીગામ પર થી ફલીત થાય છે.વાવાઝોડાના કરેલા સર્વેમાં બાકી રહી ગયેલા ગ્રામજનોની વારંવારની રજૂઆતો બાદ તંત્ર દ્વારા રિસર્વેનું નાટક પણ ભજવ્યું અને ત્યારબાદ વાવાઝોડાની સહાય ચુકવવાપાત્ર નહીં હોવાનો જવાબ આપતા ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો છે. તાઉતે વાવાઝોડાને ત્રણ મહિના થઈ ગયા પરંતુ હજુ સુધી સર્વે અને રિસર્વે જ ચાલુ રહ્યું . અને ત્યારબાદ પણ પરીણામ શૂન્ય જ મળે.

જેસર તાલુકાના રાણી ગામના ગ્રામજનોએ અનેકવાર તાલુકા પંચાયત સહિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છતાં પણ આજદિન સુધી પરિણામ કંઈ મળ્યું નહીં. વાવાઝોડાએ જેસર પંથકમાં ભારે તારાજી સર્જી હતી જેમાં રાણી ગામમાં ખેડૂતોના પાકને મકાન સહિતને ભારે નુકસાન થયું હતું. જેમાં સર્વેમાં આવેલી ટીમ દ્વારા સર્વેમાં બેદરકારી દાખવી હોય તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને અમેક ગ્રામજનો સહાયથી વંચિત રહી ગયા હતાં. જેને લઇને ગ્રામજનોએ રજૂઆત કરી, આર.ટી.આઈ. કરી, કલેક્ટર સુધી દોડી ગયા.

ત્યારબાદ વિસ્તરણ અધિકારી અને એ.ટી.ડી.ઓ.સ્થળ નિરિક્ષણ માટે આવ્યા. જેમને ખરેખર નુકસાન થયાનું જણાયું એટલે રિસર્વેની કામગીરી કરાઈ હતી. જેની રકમ આજદિન સુધી ન ચૂકવાતા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા છતાં પણ રકમ ચૂકવવામાં આવી નથી અને અંતે તાલુકા પંચાયત કચેરી તરફથી રિસર્વેના લાભાર્થીઓને સહાય મળવાપાત્ર નહીં હોવાનું જણાવ્યું.

ખરેખર નુકસાન થયેલ છે છતા પણ તંત્ર દ્વારા સહાય ન મળતાં ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે અને ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...