ફરિયાદ:પૈસા સમજી લૂંટવા આવ્યા હતા બેગમાંથી દવાખાનાની કિટ નિકળી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના બસ સ્ટેશનમાં લૂંટના ઈરાદે હુમલો થયો હતો
  • ફરિયાદ થતા પોલીસે શંકાના આધારે 3 આરોપીની અટક કરી

ગત રાત્રીના ભાવનગર બસ સ્ટેશન નજીક ત્રણ અજાણ્યા શખ્સોએ ઉના જઈ રહેલા વૃદ્ધને લૂંટવાના ઈરાદે ઝરીના ઘા મારી ઈજા પહોંચાડી હતી. જે અંગે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે શંકાના આધારે ત્રણ આરોપીઓની અટક કરી છે. શહેરના ટોપ થ્રી સર્કલ નજીક પરમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા રાજુભાઈ શ્યામજીભાઈ કંકોસીયા (ઉ.વ.62) ગઈ કાલે રાત્રીના ઉના જવા માટે પોતાની સ્કુટી પર ભાવનગરના બસ સ્ટેશનમાં જઈ રહ્યાં હતા ત્યારે બસ સ્ટેશનના પાછળના ભાગે બાઈકમાં આવેલા ત્રણ શખ્સોએ તેમના પર છરીથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

વૃદ્ધ પાસે રહેલી બેગમાં પૈસા હશે તેવું સમજીને આવેલા આ શખ્સોને જ્યારે ખબર પડી કે બેગમાં પૈસા નહી પણ દવાખાનાની કિટ છે ત્યારે આ શખ્સો તેની બાઈકમાં બેસીને નાસી છુટ્યા હતા. આ મામલે ધર્મેશભાઈ રાજુભાઈ કંકોશિયાએ નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે શંકાના આધારે ત્રણ શખ્સોને ડિટેઈન કરી નિલમબાગ પોલીસ મથકે લાવી આ મામલે પુછપરછ શરૂ કરી છે.

જોકે હજુ સુધી આ મામલે આરોપીઓ પકડાયા તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, વૃદ્ધને આંગડિયા પેઢીનો કર્મચારી સમજીને આ લોકો લુંટવા આવ્યા હતા પરંતુ બેગમાંથી દવાખાનાની કીટ નિકળતા ત્રણેયના શખ્સોના લુંટના મનસુબા પુરા થઇ શક્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે...