બરવાળા લઠ્ઠાકાંડ:108ના અધિકારી સાથે વાતચીત, સૌથી પહેલો ફોન 5 વાગ્યે આવ્યો ને પછી દર કલાકે 6 કોલ આવ્યા, એકજ કલાકમાં 20 એમ્બ્યુલન્સ ગામોમાં પહોંચી ગઇ

ભાવનગર13 દિવસ પહેલા
  • એકપછી એક કેસો આવતા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરાયું
  • બોટાદ, અમરેલી અને અમદાવાદ જિલ્લામાંથી એમ્બ્યુલન્સ મગાવી

બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે થયેલા લઠ્ઠાકાંડમાં 36 દર્દીઓના મોત થયા છે. 108 એમ્બ્યુલન્સની ઓફિશિયલ પ્રેસનોટમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગઇકાલે સાંજે 5 વાગ્યાથી આજે સવારે 7 વાગ્યા સુધીમાં 85 દર્દીઓને ત્રણ જિલ્લા અમદાવાદ, ભાવનગર અને બોટાદની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિવ્ય ભાસ્કરે આ સ્પેશિયલ ઓપરેશન અંગે 108ના ત્રણ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ કોલ ગઇકાલે સાંજે 5 વાગ્યે આવ્યો હતો. ત્યારબાદ દર કલાકે 6 કોલ આવવાના શરૂ થઇ ગયા હતા. આ ઘટનાક્રમ આજે સવારે 7 વાગ્યા સુધી ચાલ્યો હતો. બનાવની ગંભીરતા અને સતત આવતા ઇમરજન્સી કોલના કારણે ગઇકાલે સાંજે એકજ કલાકમાં 20 એમ્બ્યુલન્સ પહોંચાડી દીધી હતી.

કોલનો વધારો થતા વધુ કર્મચારીને કામે લગાડ્યા
ચેતન ગાધેએ જણાવ્યું હતું કે, કલેક્ટર અને એસપીના સીધા સંપર્કમાં રહીને આ તમામ કામગીરી ચાલી હતી. સૌથી વધારે દર્દીઓ બરવાળા અને ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ટેટના 108ના કોલ સેન્ટર, અમદાવાદમાં સૌથી વધુ કોલ આતા તુરંત કોલ સેન્ટર ઉભુ કરાયું અને વધુ કર્મચારીઓને બેસાડવામાં આવ્યા હતા. જેથી સમયસર કોલ રિસિવ કરીને કાર્યવાહી કરી શકાય. બોટાદ, અમરેલી અને અમદાવાદ જિલ્લામાંથી એમ્બ્યુલન્સ મગાવવામાં આવી હતી અને જરૂર પડ્યે હજુ વધારે એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવશે.

6 ગામમાં 108 સ્ટેન્ડ બાય રાખવાની ફરજ પડી
રાત્રીના સમયે સતત કોલ આવતા રોજિદ, પોલરપુર, ચંદ્રાવા, દેવગામ, સુંદરીયાણા, વેજલકા ગામમાં 108ને સ્ટેન્ડ બાય રાખી દેવાઈ હતી. ગામડામાંથી તો 108ને ફોન આવતા જ હતા પરંતુ પોલીસ પણ એટલી જ સ્ક્રિય હતી અને જ્યાં જરૂર પડે ત્યાં પોલીસમાંથી કોલ આવી રહ્યા હતા. ગ્રામજનોમાં અફડાતફડી અને ભયનો માહોલ હતો. બરવાળા, સાળંગપુરના ગામડાઓમાંથી સૌથી વધુ કેસો આવ્યા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગામડાઓમાં 108ની ટીમો રાતભર રાખવામાં આવી હતી. સતત ફોન આવવાના કારણે અન્ય જિલ્લામાંથી પણ એમ્બ્યુલન્સ બોલાવી લેવાઈ હતી.

16 કલાક ચાલ્યું 108નું સ્પેશિયલ ઓપરેશન
108 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને સીએચસી ધંધુકાથી સાંજે 5 વાગ્યે ઇમરજન્સી કોલ આવ્યો હતો કે ઝેરી દારૂ પીવાથી દર્દીની હાલત ગંભીર છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાના છે. થોડીજ વારમાં એકપછી એક ફોન આવતા ગયા અને 108 દ્વારા બનાવની ગંભીરતા જાણી સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજના 5 વાગ્યાથી બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધી 16 કલાક હાઈવે 108ની એમ્બ્યુલન્સના સાઇરનથી ગુંજતો રહ્યો. 20 એમ્બ્યુલન્સ દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે દોડી રહી હતી તો 7 જેટલી એમ્બ્યુલન્સની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

16 કલાકમાં આ હોસ્પિટલોમાં દર્દીઓને લઇને પહોંચી 108
108ની એમ્બ્યુલન્સ અમદાવાદના ધોલેરામાં 7, ધંધુકામાં 7, ફેદરામાં 7, વટામણમાં 4, બગોદરામાં 4, બાવળામાં 1 દર્દીને લઇને પહોંચી હતી. તેમજ ભાવનગરના વલભીપુરમાં 5 અને નારીમાં 2 દર્દીને પહોંચાડ્યા હતા. સૌથી વધુ દર્દી બોટાદ જિલ્લામાં દાખલ કરાયા છે. બોટાદના સાળંગપુરમાં 14, બરવાળામાં 12, સમઢિયાળામાં 5, રાણપુરમાં 5, બોટાદમાં 4, ગઢડામાં 4, પાળિયાદમાં 3 અને લખિયાણીમાં 1 દર્દીને એડમિટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...