ભાસ્કર ઈમ્પેક્ટ:આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું, આરોગ્ય કેન્દ્રો પર RTPCR અને રેપીડના 87 ટેસ્ટ કરાયા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના ટેસ્ટિંગમાં વધારો થતાં મહિલાનો પોઝિટિવ કેસ બહાર આવ્યો
  • કોરોના વધે નહીં તે માટે ટેસ્ટિંગમાં વધારો કરવા સરકારની સૂચનાનું પાલન શરૂ કરાયું

ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ સમી ગયો છે પરંતુ અન્ય રાજ્યોમાં વધી રહેલા સંક્રમણને કારણે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર પુનઃ ઉથલો ન મારે તે માટે સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવા સુચના આપવામાં આવી હતી તેમ છતાં ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના ટેસ્ટિંગ કરવામાં નિરસતા હતી. પરંતુ આજથી આરોગ્ય કેન્દ્રો પર પણ ટેસ્ટિંગ વધારતા એક મહિલાને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.

છેલ્લા બે-ત્રણ મહિનાથી કોરોના કાબુમાં આવ્યો છે. ભાવનગર જિલ્લામાં તો છેલ્લા બે મહિનામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે શહેરમાં છેલ્લા બે મહિનામાં બે અને આજનો મળી કુલ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોનાનું સંક્રમણ વધે નહીં અને કોરોનાને ઉગતો જ ડામી દેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ કોર્પોરેશનના કમિશનર અને કલેકટરને કોરોનાના ટેસ્ટ વધારવા માટે સુચના આપી હતી. પરંતુ લોક જાગૃતિના અભાવના બહાના તળે આરોગ્ય કેન્દ્રો પર પણ ટેસ્ટિંગ એકલદોકલ કરવામાં આવતા હતા.

તંત્રને ઢંઢોળ્યા બાદ આજથી કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રો પર પણ કોરોના ટેસ્ટિંગનો વધારો કરવામાં આવ્યો છે. આજે 14 કેન્દ્રો પર રેપિડ 7 અને આર.ટી.સી.આર. 80 મળી કુલ 87 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજથી જ ટેસ્ટિંગમાં વધારો કરાતા કાળિયાબીડ વિસ્તારમાં એક મહિલાનો કોરોના પોઝિટિવનો કેસ બહાર આવ્યો છે.

પાંચ કેન્દ્રો પર એક પણ ટેસ્ટ નહીં
શહેરમાં 14 આરોગ્ય કેન્દ્રો આવેલા છે જ્યાં આરોગ્યની સેવા સાથે કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવે છે. પરંતુ આ 14 કેન્દ્રો પૈકી રુવા, બોરતળાવ, વડવા અ, ભરતનગર અને શિવાજી સર્કલ ખાતેના આરોગ્ય કેન્દ્ર આજે એક પણ આર.ટી.સી.આર. કે રેપિડ ટેસ્ટ કરાયો નથી. જ્યારે ન્યુ કુંભારવાડામાં 22, કાળિયાબીડમાં 15 અને સુભાષનગરમાં 14 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...