રમત વિશેષ:ભાવનગરમાં 15મી જુલાઇથી ગુજરાતની બોયઝ-ગર્લ્સ ટીમનો કેમ્પ યોજાશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇનડોર સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સની બાસ્કેટબોલ સ્પર્ધા
  • સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયાની ટુકડીએ ઇન્સપેક્શન હાથ ધર્યુ

36મી નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન કરવામાં આજવી રહ્યું છે, તે પૈકી બાસ્કેટબોલની સ્પર્ધા ભાવનગર ખાતેના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઇનડોર સ્ટેડિયમમાં યોજવામાં આવનાર છે. 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં રમાનાર નેશનલ ગેમ્સ માટેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ભાવનગરની ભાગોળે આવેલા સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં બાસ્કેટબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે તેમ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ ઓફિસર દિવ્યરાજસિંહ બારિયાએ જણાવ્યુ હતુ.

ભાવનગરમાં નેશનલ ગેમ્સની બાસ્કેટબોલ સ્પર્ધાના આયોજન પૂર્વે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયાની ઉચ્ચ સ્તરીય ટુકડીએ ઇનડોર સ્ટેડિયમનું ઇન્સપેક્શન હાથ ધર્યુ હતુ. અને સ્ટેડિયમમાં અનિયમીત વીજ પુરવઠા અંગે નોંધ કરી વીજ કનેકશન વરતેજમાંથી ભાવનગર સિટીમાં તબદીલ કરાવવા તથા પેનલ રૂમમાં વીજ ઉપકરણોને ઠંડા રાખવા એર કન્ડીશન યુનિટની વ્યવસ્થા કરાવવાનું સુચન કર્યુ છે.

ઉપરાંત ઇનડોર સ્ટેડિયમનું વૂડન ફ્લોરિંગને પોલીશ કરાવવા માટે આદેશ આપ્યા છે, અને ત્યારબાદ બાસ્કેટબોલ ફેડરેશનના નિષ્ણાંતો પુન: ઇન્સપેક્શન હાથ ધરશે. નેશનલ ગેમ્સની બાસ્કેટબોલ ટુર્ના.માં ભાવનગર ખાતે દેશની ટોચની 8 બોયઝની અને 8 ગર્લ્સ ટીમોના 256 ખેલાડીઓ રમવા માટે આવશે.

આ ટુર્નામેન્ટમાં કુલ 32 મેચો બોયઝ અને ગર્લ્સ વિભાગમાં રમાડવામાં આવનાર છે. નેશનલ ગેમ્સમાં ગુજરાતની બાસ્કેટબોલની બોયઝ-ગર્લ્સ ટીમોની તૈયારીઓ માટે ભાવનગરના ઇનડોર સ્ટેડિયમ ખાતે આગામી તા.15મી જુલાઇથી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. નેશનલ ગેમ્સ અંગે ભાવનગરમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...