ધણીધોરી વગરનો અને ભ્રષ્ટાચાર યુક્ત ભાવનગર સર ટી. હોસ્પિટલના વહિવટને કારણે સરકાર દ્વારા દર વર્ષે 15 કરોડની ગ્રાંટ આપતી હોવા છતાં મોટાભાગના દર્દીઓને બહારથી દવા લખી આપવામાં આવે છે. મેડિકલ સ્ટોર સાથેની સાંઠગાંઠને કારણે ચોક્કસ મેડિકલમાંથી મળતી દવાઓ જ ડોકટરો લખી આપે છે.
બીજી બાજુ સ્ટોર વિભાગમાં જીવન રક્ષક જેવી મહત્વની દવાઓનો સ્ટોક પણ ખાલી જ રહે છે. દવાઓની ખરીદી માટે સરકારે ઈમરજન્સીના અનેક પાવરો અધિક્ષકને આપ્યા હોવા છતાં દવા દર્દીઓને મળતી નથી એટલું જ નહીં ઈનડોર પેશન્ટના દર્દીઓના સગાઓને દર્દીને મુકી દૂર સુધી દવા લેવાનો ધક્કો ખાવો પડે છે.
ભાવનગરની સર ટી. સરકારી હોસ્પિટલમાં ચાર જિલ્લાના દર્દીઓ દવા લેવા આવે છે. માત્ર ઓપીડીમાં જ રોજિંદા 1000થી 1200 જેટલા દર્દીઓ હોય છે. હોસ્પિટલના 50 ટકાથી વધુ દર્દીઓને ડોકટર બહારની દવા લખી આપે છે. આ દવા પણ બધા મેડિકલે નહીં ચોક્કસ મેડિકલે જ મળતી હોય છે. આ અંગે જુદા જુદા બેથીત્રણ ડોકટરોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ‘આ દવાનો હોસ્પિટલમા સ્ટોક નથી હોતો એટલે અમારે ના છૂટકે બીજેથી દવા લખી દેવી પડે છે.’
બીજી બાજુ હોસ્પિટલના સ્ટોર વિભાગમાં તપાસ કરતા સરકારી નિયમ મુજબ જરૂરી EDLની દવાઓનો સ્ટોક ત્રણ મહિનાનો રાખવાનો હોય છે. પરંતુ સમયસર ખરીદી નહીં થતા આ નિયમ જળવાતો નથી. ટેન્ડર અને ખરીદી અંગે સિવીલ સર્જને હવે મહિનાનો સ્ટોક બાકી હોય ત્યારે જ ઓર્ડર અપાય જતો હોવાનો દાવો કરેલ છે.
સર ટી. હોસ્પિટલની ઘણી બધી દવાઓ બારોબાર પગ કરી જતી હોવાની ફરિયાદો પણ ઊઠવા પામી છે. પણ સર ટી.માં ભ્રષ્ટાચર ઉપરથી નીચે સુધી ફેલાયેલો હોવાથી બધા ‘આંખ આડા કાન’ કરતા હોય છે.રાજ્ય સરકાર દર મહિને એક કરોડથી વધારે ગ્રાંટ આપે છે ત્યારે આ ગ્રાંટનો હેતુ દર્દીઓને દવા નહીં મળતી હોવાથી જળવાતો નથી. આ સંજોગોાં ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી ખાસ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવે તો ભ્રષ્ટાચારીના કરતૂતો ખુલ્લા પડે.
સુરતથી દવા લેવા આવ્યા પણ સર ટી.માં દવા જ નહીં
મારી 15 વર્ષની દીકરીને માનસિક બીમારી છે તેની સારવાર માટે છેલ્લા ત્રણ વર્ષથી દર મહિને દવા લેવા માટે સુરતથી સર ટી હોસ્પિટલ આવું છું. પણ સરકાર દ્વારા મળતી કરોડોની ગ્રાન્ટ છતાં અમે દવાથી વંચિત રહેતા બહારથી ના છૂટકે મોંઘીદાટ દવા લેવાની ફરજ પડે છે. > આશાબેન સુખાભાઈ સાખટ, દર્દીના માતા
દર્દીઓ માટેની બધી જ દવાઓ ઉપલબ્ધ છે
સર ટી.માં દર ત્રણ મહિને દવાઓ આવે છે બે મહિના પછી જ ખૂટતી દવાઓની યાદી ઉપર મોકલી આપવામાં આવે છે. દર્દીને એકના બદલે બીજી દવા તે દવા જેવા જ લક્ષણો ધરાવતી બીજા નામની દવા આપવામાં આવે છે. દર્દીઓ માટેની બધી જ દવાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. > જયેશ બ્રહ્મભટ્ટ, સુપ્રિટેન્ડેન્ટ સર ટી. હોસ્પિટલ
દવાઓનો સ્ટોક કાગળ પર દર્શાવાય, પણ દર્દીઓને અપાતો નથી
સર ટી.ના ફાર્માસીસ્ટે જણાવ્યું હતું કે, નિયમ મુજબ EDLની દવાઓનો ત્રણ મહિનાનો સ્ટોક રાખવો પડતો હોય છે અને આ સ્ટોક ખાલી થાય તો ઈમરજન્સીમાં પણ સ્થાનિક તંત્ર આ દવા બજારમાંથી ખરીદી કરી શકે છે બહારના મેડિકલ સ્ટોર સાથે સાંઠગાંઠ હોવાથી આ દવાનો સ્ટોક માત્ર કાગળ પર દર્શાવાય છે.
સામાન્ય ઈલાજ માટેની આ દવા પણ બહારથી લેવી પડે છે
સર ટી.માં ડાઈક્લોફેનાક ટેબલેટ દવા દુખાવો, સાંધાના દર્દો, સોજો, બળતરા સ્નાયુ, હાડકાની સમસ્યા, સંધિવા, અસ્થિવાની સારવાર માટે ઉપયોગી છે, ટેબલેટ ડિસાયક્લોમાઇન દવા પેટના રોગની સારવાર માટે થાય છે, સોડિયમ વાલપ્રોએટ દવા માનસિક દર્દીઓ માટે એમોક્સીલ 500 નામની દવાનો ઉપયોગ બેક્ટેરિયલ ચેપ સારવાર માટે થાય છે, ડોમ્પેરિડોન દવા ઉલટી ઉબકા રોકવા, ગેસ,એસીડીટી, પેટને લગતા રોગની સારવાર માટે ઉપયોગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.