તારલાઓનું સમ્માન કે શક્તિ પ્રદર્શન!:જેસરમાં યોજાયેલા તેજસ્વી તારલા સંમેલનમાં વિધાનસભાની ચૂંટણી લક્ષી ચર્ચા થઇ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગારીયાધાર બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં કોળી સમાજમાંથી મળે તેવી કરી માંગ
  • પરસોત્તમ સોલંકીએ તેના સમાજના ઉમેદવારને જીતાડવા તેઓ સાથે રહેશે તેમ જણાવ્યું

ભાવનગર જિલ્લાના જેસર ખાતે આજે જેસર-ગારીયાધાર પંથકના કોળી સમાજનું ભવ્ય સંમેલન અને કોળી સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સાથે મંત્રી આર.સી. મકવાણા, કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ મકવાણા, હીરાભાઈ સોલંકી સહિતના કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કોળી સમાજના બાળકો ભણીગણી ખુબ આગળ વધે અને સાથે સંસ્કારોનું સિંચન કરી સમાજ અને દેશની સેવા કરે તે માટે તેમને બિરદાવ્યા હતા. તેમજ આ સંમેલન એક શક્તિ પ્રદર્શન સમાન પણ હતું જેમાં આ બેઠક પર કોળી ઉમેદવારને ટીકીટ મળશે તો તેમને વિજયી બનાવવા તેઓ પરસોત્તમ સોલંકી તેની સાથે રહેશે તેમ જણાવ્યું હતું.

મેં માત્ર સમાજના લોકોના હિત માટે કામ કર્યું: પરસોતમ સોલંકી
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક દરેક જ્ઞાતિના શક્તિપ્રદર્શન ભાવનગરમાં યોજાઇ રહ્યા છે, જેમાં આજે કોળી સમાજ દ્વારા આયોજિત જેસર ખાતે ભવ્ય સન્માન સમારોહ કોળી સમાજના કદાવર નેતા પરસોતમભાઈની ઉપસ્થિતિમાં યોજ્યો હતો. જેમાં તેમના લઘુબંધુ હીરાભાઈ સોલંકી અને મહુવાના ધારાસભ્ય આર.સી મકવાણા સહિત સમાજના અન્ય નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પરસોતમ સોલંકીએ જણાવ્યું હતું કે મેં કોઈ દિવસ રાજકારણ કર્યું નથી હું રાજકારણનો માણસ નથી મેં માત્ર સમાજના લોકોના હિત માટે કામ કર્યું છે, જયારે આ બેઠક પર આવનારી ચુંટણીમાં કોળી સમાજનો વ્યક્તિ ઊભો રહેશે તો પરસોતમ સોલંકી તેમને પૂરતો સહયોગ આપીને વિજેતા બનાવશે.

કોળી સમાજનું ખાસ્સું પ્રભુત્વ
ભાવનગર જિલ્લાની વાત કરીએ તો કોળી સમાજનું ખાસ્સું પ્રભુત્વ રહ્યું છે. જિલ્લાની વાત કરીએ તો વિધાનસભાની ભાજપની સાત બેઠક માંથી 3 બેઠક પર કોળી સમાજના ધારાસભ્ય છે. હાલ દરેક સમાજ દ્વારા પોતાનું પ્રભુત્વ બતાવવા માટે શક્તિ પ્રદર્શન કરી રહી છે ત્યારે ગારીયાધારની બેઠક પર પટેલ સમાજના કેશુભાઈ નાકરાણીનો વર્ષોથી દબદબો રહ્યો છે પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં નવા ફેરફાર થાય તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. કોળી સમાજને આજે ભવ્ય શક્તિપ્રદર્શન યોજાયું જેમાં ગારીયાધાર ની સીટ પરથી કોળી સમાજના વ્યક્તિને વિધાનસભાની ટિકિટ આપવામાં આવે તેવી માંગ આ વિસ્તારના કોળી સમાજ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...