રજા તેમજ વાર તહેવારે લોકો પરિવાર સાથે આનંદ માણી શકે તે માટે હરવા ફરવાના સ્થળ તરીકે શહેરોમાં બાગ બગીચા બનાવવામાં આવે છે પણ આ બગીચા બની ગયા પછી તંત્ર દ્વારા તેની જાળવણી કરવામાં નહીં આવતા આ બગીચાઓ લોકો,નાના બાળકો ઉપયોગ કરી શકે તેવા નથી રહયાં.કયાંક બગીચામાં બાળકો માટે હિચકા,સીડી તુટી ગયાં છે,કયાંક ફુવારા બંધ હોય,કયાંક બેસવા માટે ઘાસ ન હોય બાકડા ન હોય આમ ક્ષતિગ્રસ્ત બગીચાને લીધે સુવિધાને બદલે દુવિધા લોકો અનુભવી રહયાં છે.
ગારિયાધારમાં જાળવણીના અભાવે જાહેર બગીચાની દયનીય હાલત
બગીચાની અંદર ઘાસ બળી ગયુ છે. બગીચાઓના ફુવારા બંધ હાલતમાં છે.ગારીયાધાર નગરપાલિકા દ્ધારા નવાગામ રોડ પર લાખોનાં ખર્ચે શહેરીજનો માટે હરવાં ફરવામાટે જાહેર બગીચો બનાવાયો છે.જેમાં હાલમાં આ બગીચાની અંદર સ્વછતાનો અભાવ તેમજ પાણીનાં ફુવારા વર્ષોથી બંધ હાલતમાં જોવાં મળી રહ્યાં છે.આ અંગે નગર પાલીકાના ઇન્ચાર્જ ચિફ ઓફિસર એચ.પી.બોરડએ જણાવ્યુ હતુ કે નવાગામ રોડ જાહેર બગીચો છે તેમાં સફાઇ કરાશે તેમજ પાણીનાં ફુવારા બંધ છે વહેલીતકે ચાલુ કરાશે.
સિહોરના બગીચાઓમાં પાયાની સુવિધાને અભાવે લોકોને દુવિધા
જૂના સિહોરમાં નગરપાલિકા દ્વારા બગીચો બનાવાયો છે. આ બગીચો સુખનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલો હોવાથી એ બગીચો સુખનાથ બગીચા તરીકે ઓળખાય છે. સિહોર શહેરના છેવાડે આવેલ આ બગીચો સિહોરવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે પરંતુ અત્યારે એમાં ખાસ કંઇ સુવિધા જેવું નથી. સિહોરમાં હાઇ-વે પર તાલુકા પંચાયતની સામેના જાહેર બાગમાં પણ ખાસ કંઇ સુવિધા જેવું નથી.
મહુવાના બંને બગીચામાં પણ કોઇ વિકાસ નથી
મહુવાની પ્રતિષ્ઠા વધારનાર અને સમગ્ર પંથકમાં પ્રખ્યાતી ધરાવતા ગાંધીબાગ ખ્યાતીથી મુલાકાતે આવનાર શહેરીજનો અને બહારગામથી આવતા પ્રવાસીઓને વેકેશન દરમિયાન ગાંધીબાગની મુલાકાત બાદ ઉત્સાહમાં આવી કુબેરબાગની મુલાકાત લેવા જાય ત્યારે કડવા અનુભવો થાય છે. કુબેરબાગની પ્રતિષ્ઠા જોખમાય રહી છે. મહુવા શહેરની પ્રતિષ્ઠા વધારનાર અને સમગ્ર પંથકમાં પ્રખ્યાત ગાંધી બાગની બાજુમાં માત્ર 500 મીટરના અંતરે કુબેરબાગનો પણ વિકાસ થયો નથી.
તળાજાના ભુપતભાઇ વૈદ બાગની જાળવણીમાં બેદરકારી
તળાજાના ગૌરવ સમો ‘ભુપતભાઇ વૈદ’ બાગબાળ ક્રિડાંગણ અને વૃક્ષવનરાજી વચ્ચે હરવા ફરવા, બેસવાની સુવિધા સાથે એક સમયે તળાજાની શાન જેવો હતો પરંતુ તેનું સંચાલન કરતી તળાજા નગરપાલિકા ઘણા સમયથી સંપૂર્ણ બેદરકાર હોય તેને નમુનાદાર બનાવવા માટે કોઈપણ જાતની ગંભીરતા દાખવવામાં આવતી નથી, આકર્ષક દેખાતોરંગબેરંગી લાઈટ સાથેનો ભવ્ય ફુવારો તોડફોડ સાથે અસ્તિત્વ વિનાનો બીસ્માર હાલતમાં થઈ ગયેલ છે.
પાલિતાણામાં સુવિધા સભર ગાર્ડનની માંગ અધુરી
પાલીતાણામાં સુવિધા સભર ગાર્ડન બનાવવાની માંગ હોવા છતાં તંત્ર વાહકો આંખ આડા કાન કરતા હોવાથી પ્રજામાં ભારે રોષ છે. પાલીતાણામાં સુવિધા સભા એક સારો બગીચો નથી હાલમાં તલાટી રોડ ઉપર પ્રાંત કચેરીની બાજુમાં બગીચો આવેલ છે બગીચામાં પૂરતી સુવિધા નથી. નવા બગીચા બનાવવા તેમજ તેમને વિકસિત કરવા નગરપાલિકાનું આયોજન છે.
વલભીપુરમાં તો એકપણ જાહેર બગીચો નથી
વલભીપુર શહેરમાં નગરપાલીકા દ્વારા ઘેલો નદીના કાંઠે રીવરફ્રન્ટ બનાવ્યો છે અને તેમાં રંગબેરંગી ફુવારો પણ છે અલબત્ત શહેરીજનો આરામદાયી રીતે બેસીને આનંદ લઇ શકે તે પ્રકારનો બગીચો નથી. રીવરફ્રન્ટમાં પણ પેવર બ્લોક ફીટ કરવામાં આવતા ઉનાળામાં મોડે સુધી ગરમ રહેતા હોય છે જેથી જરૂર છે સુવિધાસભર બગીચાની.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.