પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ:સૌરાષ્ટ્રના એરપોર્ટના ઇતિહાસમાં પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઊડી

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂ.મોરારિબાપુ અને કાફલો વાયા ઓમાન થઇ ઝાંઝીબાર ગયા
  • ​​​​​​​કેન્દ્ર સરકારની ખાસ પરવાનગી સાથે ભાવનગરથી સંચાલન થયું

ભાવનગર હવાઇ મથકેથી ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના એરપોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સંચાલન કરવામા આવ્યુ છે. પૂ.મોરારિબાપુ, જયદેવ માંકડ, સંતરામભાઇ સહિત 7 લોકો આફ્રિકાના ઝાંઝીબાર ખાતે કથા કરવા માટે જવાના હોવાથી કથાના આયોજકો દ્વારા ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

એ.આર.એવિએશનનું ક્લબ-1 ચાર્ટર પ્લેન સવારે ભાવનગર એરપોર્ટથી સ્થાનિક સમય પ્રમાણે સવારે 11.11 કલાકે ઉપડ્યુ હતુ. આ ફ્લાઇટમાં પૂ.મોરારિબાપુ સહિત 7 લોકો અને 3 ક્રૂ મેમ્બરો સામેલ હતા. આ ચાર્ટર ફ્લાઇટ ઓમાનના સોહાર હવાઇ મથકે ટુંકુ રોકાણ કર્યા બાદ આફ્રિકાના ઝાંઝીબાર ખાતે સ્થાનિક સમય પ્રમાણે 17.11 કલાકે પહોંચી ગયું હતુ. અમદાવાદ ઇમિગ્રેશન અને કસ્ટમની દેખરેખ તળે ભાવનગર ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગ દ્વારા પ્રથમ વખત ઇન્ટરનેશનલ ફ્લાઇટ સંચાલન માટેની સરકારી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની ખાસ મંજૂરી સાથે ભાવનગરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ સંચાલિત કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે ભાવનગર એરપોર્ટ ડાયરેક્ટર મનોજ અગ્રવાલ, એર ટ્રાફિક કંટ્રોલર આદિત્યસિંઘ અને સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ભાવનગરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન કરવામાં આવતાની સાથે જ ભાવનગરને ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધાથી જોડવા માટેની માંગણીઓ વેપારી વર્ગમાં ઉઠી રહી છે.

નાઇટ લેન્ડિંગની શ્રેષ્ઠતમ સુવિધા ભાવનગરમાં
ભાવનગર હવાઇ મથકે ઘણા વર્ષોથી નાઇટ લેન્ડિંગની સુવિધા આપવામાં આવેલી છે, અને ઘણા વર્ષોથી જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ પણ થઇ રહ્યો છે. ભાવનગર એરપોર્ટ દરિયાની એકદમ નજીક અને આંતરરાષ્ટ્રીય હવાઇ મથક માટેનું એકદમ આદર્શ સ્થળ છે.

અન્ય સમાચારો પણ છે...