ભાસ્કર વિશેષ:રાજ્યમાં સૌ પ્રથમ બાળવાર્તા-બાળ મહોત્સવ વાર્તાથી વાવેતર

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગિજુભાઈના વાર્તાના શાસ્ત્રને ફરી મૂર્તિમંત કરાશે : શહેરમાં 14 સપ્ટેમ્બરે આયોજન
  • નવી શિક્ષણનીતિના અમલીકરણ માટે આ અભિનવ પ્રયોગનો આરંભ ભાવનગરથી થશે

શિક્ષણ ક્ષેત્રે ભાવનગરમાં એક વિશિષ્ટ પ્રયોગ થવા જઈ રહ્યો છે. ન્યુ એજ્યુકેશન પોલીસીમાં કેળવણીમાં વાર્તા અને ગીતોના મહત્વને વિશિષ્ટ રીતે આંકવામાં આવ્યું છે. ત્યારે આ જ વાત બાળકેળવણીકાર ગિજુભાઈ બધેકા આજથી 100 વર્ષ પહેલા કહી ચુક્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગિજુભાઈ બધેકાના વાર્તાના શાસ્ત્રને ફરી મુર્તિમંત કરવા માટે એક અનોખો પ્રયોગ ભાવનગરથી શરુ થવા જઈ રહ્યો છે.

તા. 14 સપ્ટેમ્બરને બુધવારે સાંજે 4:30 કલાકે મેઘાણી ઓડીટોરીયમમાં સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનની ટીમ દ્વારા બાલગીત અને બાલવાર્તાને આંગિકમ-વાચિકમ અને અભિનયની સાથે અનોખી રીતે રજૂ કરવામાં આવશે. સાંઈરામ દવે અને જયવસાવડા સંગાથે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાશે.

સાંઈરામ દવે અને તેની ટીમ દ્વારા વાર્તા વાચિકમ રજૂ કરવામાં આવશે. તેમજ શિક્ષક અને પ્રખ્યાત ગાયક વિમલ મહેતાની ટીમ દ્વારા બાલગીતોને અનોખી રીતે રજૂ કરવામાં આવશે. ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત આ કાર્યક્રમમાં શહેરના તમામ શિક્ષકો અને પ્રબુદ્ધ નાગરિકોને નિમંત્રીત કરવામાં આવ્યા છે. આ પ્રથમ અને વિશિષ્ટ પ્રયોગ બાદ ગુજરાતના પૂર્વ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને વાર્તાથી વાવેતર થકી ગિજુભાઈ બધેકાનાં કેળવણી દર્શની માહિતગાર કરવાનું ગુજરાત સરકાર- શિક્ષણ વિભાગનું આયોજન છે.

ગિજુભાઈએ ભાવનગર ખાતે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનથી કેળવણીની કેડી કંડારી હોવાથી ભાવનગર ખાતે આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન અને સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન જહેમત ઉઠાવી રહ્યું છે. આ કાર્યક્રમ નિમંત્રીતો માટે જ મર્યાદીત રખાતા શિક્ષણવિદોમાં કચવાટ જાગ્યો છે.

સર્જનાત્મક અને મૌલિકતા ખીલવવા વાર્તા જરૂરી
પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં સર્જનાત્મકતા અને મૌલિકતા ખીલવવા માટે વાર્તા ખુબ જરુરી હોવાથી શિક્ષણવિદ્દ સાંઈરામ દવે દ્વારા વાર્તાના શાસ્ત્રને વિગતવાર સમજાવવામાં આવશે સાથે કટાર લેખક જય વસાવડા વાર્તાનું સાઈન્ટીફિક લોજીક અને વાર્તાના મહત્વ વિશે વક્તવ્ય આપશે.

અન્ય સમાચારો પણ છે...