ખુશીનો માહોલ:ઉમંગ અને ઉલ્લાસથી આજે ઉજવાશે પ્રકાશનું પર્વ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લામાં દિપોત્સવને વધાવવા લોકોમાં ભારે ઉત્સાહ

સમગ્ર ભાવનગર જિલ્લામા આવતીકાલે પ્રકાશના પર્વ દિપાવલીની ભારે ઉમંગ અને ઉલ્લાસ પુર્વક ઉજવણી કરવામા આવશે. બજારોમા આજે દિપાવલી પર્વની અનોખી રોનક નજરે પડી હતી. લોકોના ઘર આંગણાઓ રંગોળીથી શોભી ઉઠયાં છે અને ચારે તરફ જાણે રોશનીનો શણગાર સજયો છે.

ભાવનગર જિલ્લાના ગ્રામિણ વિસ્તારમા દિપાવલી પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે યુવા વર્ગ ધંધાર્થે અન્ય શહેરોમા વસતો હોય ગામડાઓ આડા દિવસે ખાલીખમ નજરે પડે છે. પરંતુ આ યુવા વર્ગ દિપાવલીનો તહેવાર અચુક વતનમા ઉજવે છે. ધંધાર્થે બહાર વસતા લોકોનુ વતનમા આગમન થતા જ આ વિસ્તારના ગામડાઓ પણ હર્યા ભર્યા બન્યા છે. સિહોર,પાલિતાણા, મહુવા,ગારિયાધાર સહીત જિલ્લાના શહેરોમાં આજે દિપાવલી પુર્વે ધુમ ખરીદી નીકળી હતી.

સવારથી જ બજારમા હકડેઠ્ઠઠ મેદની જોવા મળી હતી. બજારમા બપોર સુધી જાણે પગ મુકવાની જગ્યા ન હતી. બપોરના સમયે ટ્રાફિક થોડો હળવો થયો હતો પરંતુ સાંજના સમયથી ફરી એકવાર બજાર ખરીદદારોથી ઉભરાઇ હતી. આજે બીજા દિવસે પણ ધનતેરસના મુર્હુત હોય લોકોએ સોના ચાંદીની શુકનવંતી ખરીદી કરી હતી. ઉપરાંત ફટાકડા, રંગોળીના રંગો અને રોશનીનો સરસામાન, ફરસાણ અને મીઠાઇ, સુકામેવાથી લઇ ફળફળાદી અને શાકભાજી, રેડીમેઇડ ગારમેન્ટસ, ઇલેકટ્રોનિકસ આઇટમો, કટલેરી અને હેાઝીયરી, ફુલ બજાર વિગેરેમા ભારે ઘરાકી નીકળી હતી.

બીજી તરફ સુરત તરફથી ભરચક્ક ટ્રાફિક આજે પણ શરૂ રહ્યો હતો. સાથે સાથે પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ પણ વધી હતી.સુરતથી ભાવનગર જિલ્લામાં વતનમાં આવવા ચીક્કાર બસો દોડી હતી આમ તો દિવાળી પુર્વ એકાદ સપ્તાહ પહેલા જ લોકો સુરતથી ભાવનગર જિલ્લામાં વતનમા દિવાળી કરવા આવવાનુ શરૂ કરી દીધુ હતુ. જેને પગલે સુરતથી ખાનગી બસોમા પણ ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...