ભાવનગર શહેરના પરિમલ ચોક પાસે આજે સવારે એક કાર ચાલકે પોતાની કાર બેફામ રીતે ચલાવી એક રાહદારીને અડફેટમા લઈ ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો. જે બનાવ સમયે ભાવનગર શહેરના માજી મેયર તથા માજી શહેર ભાજ પ્રમુખ હાજર હોઈ તેમણે નીલમબાગ પોલીસને જાણ કરી હોવા છતા પોલીસ તંત્રએ કોઈ નોંધ નહી લઈ આ બનાવને રફેદફે કરી નાખતા અને કાર ચાલકને છાવરતા હોવાની છાપ ઉપસતા લોકોમા ભારે નારાજગી જોવામળી હતી.
શહેરના વાઘાવાડી રોડ પરીમલ ચોક પાસે કે જ્યા સીસીટીવી કેમેરા ચોવીસે કલાક કાર્યરત છે તેવા વિસ્તારમા આજે સવારે સાતેક વાગે એક સફેદ કલરની કાર નં.જીજે 04 બીઈ 5176ના ચાલકે પોતાની કાર બેફામ રીતે પુરપાટ ઝડપે ચલાવી રોડપર જઈ રહેલ રાહદારી સરોવર પોર્ટીકોના કર્મચારી રાજુભાઈ શીયાળ (ઉ.વ.39)ને જોરદાર ટક્કર મારી ઉભા રહેવાની માનવતા દાખવ્યા વગર જતો રહ્યો હતો.
બરાબર તે જ સમયે મોર્નિંગ વોકમાં નીકળેલા ભાવનગર શહેરના માજી મેયર જયંતભાઈ વનાણીઆ ઘટના જોઈ હતી. જયંતભાઈએ ઈજાગ્રસ્તને તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા બાદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ગીરીશભાઈએ એ ડીવીઝન પોલીસમાં જાણ કરી કારનંબર સહીતની માહિતી આપી હતી.
પરંતુ મોડી રાત્રી સુધી નીલમબાગ પોલીસે આ ઘટના અંગે કોઈ નોંધ પણ લીધી ન હતી કે સીસીટીવી કેમેરાના ફુટેજ દ્વારા આવા છાકડા બની વાહન ચલાવતા શખ્સની ભાળ મેળવવા કોઈ પગલા ભર્યા ન હતા. પોલીસ આવા તત્વોને છાવરતા હોવાની છાપ ઉપસતા લોકોમા પણ નારાજગી જોવા મળી હતી.
ઈજાગ્રસ્તને એક માત્ર ચાર વર્ષની દિકરી છે અને હાલમાં હોસ્પિટલમાં 48 કલાક સુધી ઓબઝર્વેશનમાં રહેવુ પડે તેમ છે. બુધાભાઈ પટેલે માનવતા દાખવી તેને સારવાર સહિતની બાબતો અંગે મદદરૂપ થયા હતા ત્યારે ‘‘મે આઈ હેલ્પ યુ’’નું બોર્ડ લગાવનાર પોલીસ નિષ્ક્રીય રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.