રાજકીય સ્ટંટ:કોંગ્રેસના ઉપવાસ, પ્રશ્ન અણઉકેલ છતા કોંગીના પૂર્વ નગરસેવકોએ પારણા કરાવ્યા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોરતળાવ અને કાળીયાબીડના દબાણના પ્રશ્ને
  • સવારે અડધી કલાક આમરણાંત પર બેઠા ત્યા પોલીસ ઉઠાવી ગઇ, પોલીસ મથકે ધરણા કરી કોર્પોરેશન આવી કમિશનરની ધરાર હૈયાધારણા મેળવી

કોર્પોરેશનની ચુંટાયેલી પાંખ ઘરભેગી થઈ ગયા બાદ કોંગ્રેસ કાળીયાબીડ અને બોરતળાવના દબાણના પ્રશ્ને પટમાં આવતા આજે કોર્પોરેશન ખાતે આમરણાંત પર બેઠા હતા અને અડધી કલાકમાં પોલીસે અટકાયત કરી પોલીસ મથક લઈ જતા ત્યાં પણ ધરણા કર્યા હતા. ત્યાંથી છુટ્યા બાદ પુનઃ કોર્પોરેશન ખાતે આવી કમિશનરને રજૂઆત કરતા કમિશનરે માત્ર ખાત્રી આપતા કોંગ્રેસના જ કોર્પોરેટરો દ્વારા આમરણાંતના પારણા કરાવતા પંદર દિવસની બીજી મુદત પાડી સંકેલો કરી લીધો હતો.

શહેરમાં અને ખાસ કરીને કાળીયાબીડ અને બોરતળાવના દબાણો હટાવવા માટે એક વર્ષ બાદ પુનઃ કોંગ્રેસ મેદાનમાં આવ્યુ છે. થોડા સમય પૂર્વે પ્રતિક ધરણા કર્યા બાદ અલ્ટીમેટમ આપ્યુ છતા તંત્ર દ્વારા કોંગ્રેસની ચિમકીને નહીં ગણકારતા અંતે આજે કોર્પોરેશન કચેરી ખાતે ચિમકી મુજબ આમરણાંત શરૂ કર્યાં હતા પરંતુ થોડીવારમાં જ દર વખતની જેમ પોલીસે આવી કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેાશન લઇ ગયા હતા. ત્યાં પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ધરણા કર્યા હતા. ત્યાંની પોલીસ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓને છોડી મુક્યા હતા. અને ત્યાંથી સીધા કોર્પોરેશન કચેરી ખાતે પરત આવ્યા હતા.

પરંતુ કમિશનર દ્વારા તેઓને મળવાની જરાય તૈયારી બતાવી ના હતી. અને જો ને તો સાથે કમિશનર દ્વારા દબાણ હટાવવાની શક્યતા ચકાસી 15 દિવસમાં કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી. જેથી કોર્પોરેશન ખાતે સવારથી સાંજ સુધી આમરણાંત પર બેસેલા પાંચ આગેવાનોને કોંગ્રેસના જ હવે પૂર્વ થઈ ગયેલા કોર્પોરેટરોએ પારણા કરાવતા ઉપવાસ આંદોલનનો સંકેલો કરી નાખ્યો હતો.

દબાણના પ્રશ્ને નથી તંત્રએ કોઈ પગલા લીધા કે નથી કોઈ ઠોસ બાંહેધરી આપી. માત્ર શક્યતા ચકાસી જે કરવાની થાશે તે કાર્યવાહી કરવાની હૈયાધારણા માત્રથી પોતે જ પારણા કરી લેતા રાજકીય સ્ટંટ દેખાઈ આવતુ હતુ.

અન્ય સમાચારો પણ છે...