વાત વિકાસની:માઢીયા GIDCમાં કેમિકલ ઝોનથી સમગ્ર જિલ્લાની થઇ શકે કાયાપલટ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ, વાપી, અંકલેશ્વરમાં જમીનના ભાવ આસમાને પહોંચતા
  • જિલ્લામાં​​​​​​​ અનેકને રોજગારી અને આર્થિક ચક્રને મળી શકે છે વેગ

ભાવનગર જિલ્લાનો વિકાસ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે, કામદાર વર્ગ અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવા વર્ગને રોજગારીના પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે, તેવા સંજોગોમાં નવા ઉદ્યોગો આવે તો જ જિલ્લાના આર્થિક ચક્રને વેગ મળી શકે તેમ છે, તથા રોજગારીની તકોનું નિર્માણ થઇ શકે તેમ છે. ભાવનગરની ભાગોળે આવેલા માઢીયા ખાતે આકાર લઇ રહેલી જીઆઇડીસીમાં કેમિકલ ઝોન બનાવવામાં આવે તો ઉપરોક્ત સમસ્યાઓ આંશિક ઉકેલાઇ શકે તેમ છે.ભાવનગર જિલ્લામાં હાલ 20 જેટલા કેમિકલ યુનિટ આવેલા છે. જ્યારે અમદાવાદ, અંકલેશ્વર, વાપીમાં કેમિકલ સંબંધિત અનેક મોટા યુનિટ વિસ્તરેલા છે.

આ શહેરોની બહારના વિસ્તારમાં જમીનના ભાવ આસમાને પહોંચતા નવા કેમિકલ યુનિટ સ્થાપવા ઇચ્છુક ઉદ્યોગકારોના આર્થિક બજેટ જમીનને કારણે જ વિખેરાય જાય છે.ભાવનગર નજીક આવેલા માઢીયા ખાતે જીઆઇડીસી આકાર લઇ રહી છે, અને તેમાં અને તેની આજુબાજુની જમીનો પર કેમિકલ ઝોન બનાવવામાં આવે તો આ ઉદ્યોગને પણ અનુકુળ આવે તેવું વાતાવરણ છે. કેમિકલ ક્ષેત્રે અગાઉની સરખામણીમાં નવી અનેક ટેકનોલોજીએ પ્રવેશ કર્યો હોવાથી પ્રદૂષણની સમસ્યા હળવી બની રહી છે.

માઢીયાની આજુબાજુ માનવ વસ્તી ઓછી હોવાથી જોખમની દ્રષ્ટિએ પણ શક્યતાઓ નહિવત્ છે. માઢીયા હાઇ-વે ટચ હોવાથી પરિવહનની દ્રષ્ટિએ પણ અનુકુળ થઇ શકે તેમ છે.જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદો, રાજકીય પક્ષો એક બનીને માઢીયા ખાતે કેમિકલ ઝોન લાવવા માટે પ્રમાણિક પ્રયત્નો કરે તો જિલ્લામાં નવી રોજગારીની તકો ઉભી થઇ શકે ઉપરાંત કેમિકલના આનુષંગિક ઉદ્યોગોને પણ વેગ મળી શકે તેમ છે.

25 જેટલા કેમિકલ ઉદ્યોગો
ભાવનગર શહેરમાં હાલ 25 જેટલા કેમિકલના ઉદ્યોગો કાર્યરત છે અને જો કેમિકલ ઝોન કે તેના માટે ખાસ સુવિધા આપવામાં આવે તો ભાવનગરમાં કેમિકલને લગતા ઉદ્યોગો વિકસી શકે તેમ છે અને આ માટે ભાવનગરમાં સાનુકૂળતા પણ છે. સાથે જો નવા ઉદ્યોગો આવે તો સ્થાનિક લેવલે રોજગારી પણ વધી શકે તેમ છે.

કેમિકલ ઝોન માટે માઢીયા એક આદર્શ સ્થળ
ભાવનગરની ભાગોળે આવેલા માઢીયા ગામ નજીક રાજ્ય સરકાર દ્વારા જીઆઇડીસીનું આયોજન કરવામાં આવ્યુ છે તેમાં અને તેની આજુબાજુની જમીનોમાં પણ કેમિકલ ઝોન બની શકે તેમ છે, અને તેના થકી મોટા પ્રમાણમાં રોજગારી અને આનુષંગિક ઉદ્યોગોને પણ લાભ મળી શકે તેમ છે. - કિરિટભાઇ સોની, પ્રમુખ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

અન્ય સમાચારો પણ છે...