બીયુનું બ્યૂગલ ફરી વાગ્યુ:કોર્પોરેશન દ્વારા શહેરમાં 12 દુકાનોને સીલ મરાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફાયર NOC વગરની મિલકતો સામે પણ કરવામાં આવશે કાર્યવાહી

ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં બીયુ પરમીશન અને ફાયર એન.ઓ.સી વગરની મિલકતો સામે હાઇકોર્ટની કડકાઈ બાદ આજે કોર્પોરેશન પુનઃ હરકતમાં આવ્યુ છે અને ત્રણ બિલ્ડીંગોમાં 12 દુકાનોને બીયુ પરમીશન નહીં હોવાથી સીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટ જ્યારે જ્યારે ટકોર કરે કે કડકાઈ કરે ત્યારે કોર્પોરેશન આળસ મરડી કામગીરી દેખાડવાનો પ્રયાસ કરે છે. જોકે, રેસિડન્ટ સહિતમાં કડકાઈમાં મુશ્કેલી પણ પડે છે. ભાવનગર શહેરમાં ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરેલા સર્વે બાદ બીયુ પરમીશન લીધી ના હોય તેવી મિલકતોને નોટીસ તો આપી હતી પરંતુ આજ થી બીયુ વગરની બિલ્ડીંગોને સિલિંગની કાર્યવાહી પણ શરૂ કરી છે.

કોમર્શિયલ બિલ્ડીંગો થી શરૂઆત કરતા આજે બીયુ વગરની શિવાજી સર્કલ પાસે પ્લોટ નં. 2416/A, ધારા કોમ્પલેક્ષમાં 5 દુકાનો, રિલાયન્સ મોલ સામે મધુમહેલ રેસિડન્સી પાસે, પ્લોટ નં.1854/B માં 2 દુકાનો અને અધેવાડા સિદસર રોડ પર સર્વે નં.198 પૈકી ચૈતન્ય વીલાની બાજુમાં શિવરંજની ફ્લેટમાં 5 દુકાનોને સીલ માર્યા હતાં. જ્યારે અન્ય દુકાનોમાં સામાન હતો તે ખાલી કરવા સુચના આપી હતી.

જેને આગામી દિવસોમાં સીલ મારવામાં આવશે. ફાયર એન.ઓ.સી. વગરની મિલકતોને સીલ મારવાની પણ તૈયારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ફાયર બ્રિગેડ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરાશે. જેમાં ખાસ હાઈરાઇઝ બિલ્ડીંગો, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રથમ સિલિંગ કરવામાં આવશે.

બાડાની બદલે બિલ્ડરે જ બીયુ બનાવી નાખ્યું
સિદસર રોડ પર શિવરંજની ફ્લેટના બિલ્ડરે મંજુર થયેલ પ્લાન મુજબ બાંધકામ નહીં કરી દુકાનદારો અને મકાન માલિકો દ્વારા બીયુ પરમીશનની અવારનવાર માગણી કરતા બિલ્ડર સતપાલસિંહ ગોહિલ દ્વારા પોતે બિલ્ડીંગ યુઝ પરમીશનનો ખોટો લેટર બનાવી સરકારી રેકોર્ડ સાથે ચેડા કરતા કોર્પોરેશન દ્વારા ખરાઇ કરવામ‍ાં બહાર આવ્યું હતું. શિવરંજનીમાં બિલ્ડર દ્વારા બીયુ પરમીશન લીધેલું નહીં હોવાથી આજે કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...