માવઠાનો માર:રાત્રે 8 વાગ્યા બાદ શહેરમાં ગાજવીજ સાથે માવઠુ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોહિલવાડના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ઘઉં, કેરી, બાજરા વિગેરેને નુકશાન
  • રવિવાર રજાના​​​​​​​ દિવસે પરિવાર સાથે હરવા ફરવા કે રેસ્ટોરન્ટ જવા નિકળેલા નગરજનો ભીંજાયા : મોડી રાત્રે પુન: માવઠુ શરૂ થયું

ભાવનગર શહેરમાં આજે માવઠાની આગાહી પણ આખો દિવસ સૂર્યપ્રકાશ અને વાદળો વચ્ચે સંતાકૂકડીનો ખેલ ખેલાયા બાદ રાત્રે 8 વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદનું ઝાપટુ઼ વરસી ગયું હતુ. બાદમાં મોડી રાત સુધી ગાજવીજ ચાલુ રહી હતી. સાથે રાત્રે માવઠુ઼ વરસતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. રાત્રે સિહોરમાં પણ વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને ભારે પવન તથા કડાકા ભડાકા સાથેે વરસાદ ચાલુ થયો હતો.

ભાવનગર શહેરમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ રાત્રે 8 વાગ્યા આસપાસ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ જ અને થોડા પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદ શરૂ થતા એક તબક્કે તો આજે રવિવારની રજા હોય અને ખાવાનો સમય હોય રાત્રે પરિવાર સાથે ધાબા કે રેસ્ટોરન્ટમાં ખાવા જવા નિકળેલા પરિવારજનો થોડા ભીંજાયા હતા જો કે હળવું ઝાપટું જ વરસ્યું હતુ. બાદમાં લાંબો સમય ગાજવીજ શરૂ રહી હતી પણ કમોસમી વરસાદ ન વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પણ મોડી રાત્રે પુન: કમોસમી વરસાદ ગાજવીજ સાથે શરૂ થયો હતો.

ખાસ તો ગામડાઓમાં આ વરસાદને લીધે ઘઉં, બાજરો, જુવાર, કેરી સહીતના પાકને નુકશાન થયું છે. ખાસ તો ગઇ કાલે ભારે પવનને લીધે ભાવનગર નજીકના ભાલ પંથકમાં પાકને નુકશાન થયુ઼ હતુ. આંબા પરની કાચી કેરી 90 ટકા જેટલી ખરી ગઇ હતી. જેથી નુકશાન થયું હતુ.

બપોરે તાપમાનમાં 2.4 ડિગ્રી અને રાત્રે 5.4 ડિગ્રીનો ઘટાડો
ભાવનગરમાં આજે માવઠાની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીમાં ઘટાડો થયો હતો. ગઇ કાલે શહેરમાં મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી હતુ તે આજે ઘટીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન એક જ રાતમાં 5.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 24 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

માવઠાની આગાહી વચ્ચે શહેરમાં તડકા અને વાદળો વચ્ચે સંતાકૂકડીનો ખેલ જેવો માહોલ રહ્યો હતો. આજે ભાવનગર સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી ત્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન જે ગઇ કાલે મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી હતુ તે આજે 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જેથી ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો. જ્યારે રાત્રેલઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાકમાં 5.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 24 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા હવે ત્યારે પણ પંખા અને એસી શરૂ થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...