કોરોનામાં મોતના સરકારી આંકડા ખોટા પડ્યા:શહેરમાં કોરોનાથી 160 મૃત્યુ જાહેર કર્યા અને તબીબી સર્ટિ સાથે 530 અરજી!

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનામાં મૃત્યુ છતાં કો મોરબિડમાં ખપાવી દેતા હતા, હવે સરકારના ગળામાં આવ્યો ગાળીયો
  • ​​​​​​​કોઝ​​​​​​​ ઓફ ડેથના સર્ટિફિકેટ સાથે અરજી કરવાની હોવાથી કોરોનાથી મૃત્યુના સાચા અાંકડા જાહેર થશે, ગ્રામ્ય કક્ષાએ મંદગતિની કામગીરી, જિલ્લામાં માત્ર 43 જ અરજી કરવામાં આવી

કોવિડને કારણે મૃત્યુ પામેલાના વારસદારોને આર્થિક સહાય સરકારે જાહેર કર્યા બાદ શરૂ થયેલી અરજીની પ્રક્રિયામાં સરકારે જાહેર કરેલા કોવિડથી મૃત્યુના આંકડા ખોટા સાબિત થાય છે. મહાનગરપાલિકા કક્ષાએ જ સંબંધિત વિભાગ દ્વારા કોવિડથી ડેથનું તબીબી સર્ટિફિકેટ પણ ચકાસણી કરાય છે ત્યારે આજ સુધીમાં 530 અરજી સ્વીકારમાં આવી છે. જ્યારે 20 મહિનામાં કોરોના કાળ દરમિયાન ભાવનગર શહેરમાં સત્તાવાર રીતે સરકારી ચોપડે કોરોનાથી માત્ર 160 જ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે. જે અનેક વિસંગતતા દેખાડે છે. જિલ્લા કક્ષાએ મંદગતિની કામગીરીને કારણે 43 જ અરજીઓ અાવી છે.

કોવિડ-19 ને કારણે અનેકના મૃત્યુ થયા હોવા છતાં તંત્ર દ્વારા જાહેર કરાયા ના હતાં. ગત 25 મી માર્ચ 2020 ના રોજ ભાવનગર જિલ્લામાં પ્રથમ મૃત્યુ થયા બાદ શરૂઆતમાં કોરોનાને કારણે મૃત્યુ થયેલાના નામ સરનામા સાથે જાહેર કરાતા હતાં પરંતુ ત્યારબાદ કોરોનાને કારણે મૃત્યુ પામેલાની ઓળખ છુપાવી માત્ર આંકડા જ જાહેર કરવામાં આવતા હતાં. કોરોનામાં મૃત્યુ છતાં કોમોરબિડમાં ખપાવી દઈ કોરોનામાં મૃત્યુના આંકડા પણ સરકારી ચોપડે ઓછા દર્શાવ્યા હતાં.

કોરોનાથી પ્રથમ મૃત્યુ બાદ આજ સુધીમાં 20 મહિનામાં ભાવનગર શહેરમાં કોવિડને કારણે માત્ર 160 જ્યારે ગ્રામ્ય કક્ષાએ 138 જ મૃત્યુ થયાંનું સરકારે જાહેર કર્યું છે. પરંતુ હવે સરકારે કોરોનાને કારણે મૃત્યુ પામેલાના પરિવારને રૂ.50 હજાર આર્થિક સહાય આપવાનું જાહેર કરી તેની માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરી છે. ભાવનગર મહાનગરપાલિકામાં ગત તા.17મી થી અરજી સ્વીકારવાનું શરૂ કર્યું હતું. અને તે અરજી પણ કોવિડથી મૃત્યુ થયાના ડોક્ટરના સર્ટિફિકેટ સાથે સ્વીકારવામાં આવી છે.

જેથી તે સાબિત થાય છે કે, આજ સુધીની અરજી કરનારાના પરિવારજનો કોવિડથી જ મૃત્યુ પામ્યા છે. આજ સુધીમાં કોરોના સહાય માટે કોર્પોરેશન કક્ષાએ 530 અરજીઓ આવી છે અને રોજ ધસારો હોય છે. જેથી હજુ અનેક ગણી અરજીઓ આવશે. પરંતુ કોરોના સહાય માટેની અરજી જ કોરોનાથી મૃત્યુના સરકારી અાકડાને ખોટા સાબિત કરે છે. મહાનગરપાલિકાના જન્મ મરણ નોંધણી રજીસ્ટાર પાસે ગત તા. 17 થી 19 દરમિયાન જે લોકોએ અરજી કરી હોય તેઓએ સંપર્ક સાધી પુરાવાની ખરાઈ કરી લેવા પણ જણાવાયું છે.

બબ્બે વાર અરજી ફોર્મ બદલાયા, તંત્ર અવઢવમાં
કોરોનામાં મૃત્યુ પામેલના વારસદારોને સરકારે આર્થિક સહાય જાહેર કર્યા બાદ પ્રસિદ્ધ કરેલ અરજી મુજબ તંત્ર દ્વારા સ્વીકાર શરૂ કર્યો પરંતુ ત્યારબાદ બે ત્રણ દિવસમાં પુનઃ અરજી ફોર્મમાં ફેરફાર થઇ ગયો જેથી સામાન્ય લોકોની સાથે સરકારી તંત્ર પણ અવઢવમાં આવી ગયું હતું.

ગ્રામ્ય કક્ષાએ તંત્રના જ ઠેકાણા નથી, એક પણ અરજીનો સ્વીકાર કરાયો નહીં
કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને આર્થિક સહાય જાહેર કરતાં ગત તા.17 થી કોર્પોરેશનમાં તો અરજી સ્વીકારવાનું શરૂ કર્યું પરંતુ ગ્રામ્ય કક્ષાએ તો હજુ કોઈ ઠેકાણા જ નથી. કલેક્ટર દ્વારા પણ આજે કાર્ય પધ્ધતિ જાહેર કરાઈ. જેમાં ગ્રામ પંચાયતમાં તલાટી અને તાલુકા ખાતે મામલતદારને અરજી કરવાની રહેશે. પરંતુ ગ્રામ પંચાયતમાં મોટાભાગના તલાટી મંત્રીઓને મદદનીશ ચુંટણી અધિકારીની જવાબદારી સોંપાઈ છે. જેથી ગઈકાલ સુધી તો ગ્રામ્ય કક્ષાએ એક પણ સહાયની અરજી સ્વીકારાઈ નથી. જ્યારે તાલુકા કક્ષાએ માત્ર 4 અને નગરપાલિકા વિસ્તારમાંથી 39 અરજીઓ જ આવી છે.

અન્ય સમાચારો પણ છે...