વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા કાર્યાલયો પણ ખોલવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર પૂર્વ વિધાનસભા મતવિસ્તારનું ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ઘોઘા સર્કલમાં મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યામાં શરૂ કરતાં સંકેલી લેવાયું હતું. નિયમ વિરુદ્ધ કાર્યાલય શરૂ કરતાં તેમની મંજૂરી માટેનો પણ તંત્ર પર પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ભાજપના કાર્યાલયે ઉદ્ધાટન થાય તે પૂર્વે જ આટોપી લેવાયું હતું.
રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના પ્રચાર પ્રસાર સાથે વોર્ડ વાઇઝ અને મધ્યસ્થ કાર્યાલયો પણ શરૂ કરવાનો ધમધમાટ ચાલુ છે. રાજકીય પક્ષોના કાર્યાલયો, સભા સર્કલ કે અન્ય પ્રચાર માધ્યમ માટેની મંજૂરી સિંગલ વિન્ડો દ્વારા થઈ રહી છે. ભાવનગર પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર માટે ઘોઘા સર્કલ યોગેશ્વર હાઈટ્સમાં મધ્યસ્થ કાર્યાલયની મંજૂરી પણ મેળવી હતી. પરંતુ કાર્યાલયની એકદમ નજીક 200 મીટરની ત્રિજ્યાની અંદર રોટરી હોલ ખાતે મતદાન મથક છે. જેથી કાર્યાલયનો વિવાદ ઉભો થતાં સિટી મામલતદારમાં કાર્યાલય મોકૂફી અને અન્યત્ર નવા કાર્યાલયની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યાલય સહિતની મંજૂરી માટે સિંગલ વિન્ડોમાં અરજી કર્યા બાદ સંબંધિત તંત્ર વાહકો દ્વારા સ્થળ તપાસ અને અભિપ્રાય સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. તો 200 મીટરની ત્રિજ્યામાં મતદાન મથકથી એકદમ નજીક માંગેલી મંજૂરીને ગ્રાહ્ય રાખવામાં પણ તંત્રની કામગીરી પર પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.