વિશેષ:EUના શિપ અલંગમાં આકર્ષવા માટે કેન્દ્રની કવાયત

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુરોપીયન યુનિયનની અલંગ પ્રત્યેની સુગ ભાંગવા ગાંધીનગરમાં કોન્ફરન્સ
  • ​​​​​13મીએ યુરોપીયન ડેલિગેટ્સ, 9 દેશોના રાજદૂત અલંગની સફરે

યુરોપીયન યુનિયન (ઇ.યુ.) દ્વારા તેઓના સમયાવધિ સમાપ્ત થઇ ચૂકેલા જહાજ પસંદગીના દેશોમાં જ ભાંગવા માટે મોકલી રહ્યા છે. ઇ.યુ.ના જહાજોને અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે આકર્ષવા માટે કેન્દ્ર સરકારે કવાયત તેજ બનાવી છે. આગામી સપ્તાહે ઇ.યુ.નું ડેલિગેશન અને 9 દેશોના રાજદૂત ગાંધીનગર ખાતે શિપ રીસાયકલિંગ અંગેની કોન્ફરન્સ કરશે અને બીજા દિવસે અલંગની મુલાકાત લેશે.

તા.12મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શિપ રીસાયકલિંગ અંગેની ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સ યોજાનાર છે. જેમાં કેન્દ્રીય શિપિંગ મંત્રાલય, વન-પર્યાવરણ મંત્રાલય, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, 9 દેશોના રાજદૂતો તથા યુરોપિયન યુનિયનનું ડેલિગેશન, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના હોદ્દેદારો સાથે શિપબ્રેકિંગ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરશે.

કેન્દ્ર સરકાર અલંગ શિપબ્રેકિંગ યાર્ડની ક્ષમતા આગામી બે વર્ષમાં બમણી કરવાની દિશામાં ધીમી છતા મક્કમ ગતિએ આગળ ધપી રહ્યા છે. યુરોપીયન યુનિયનના દેશો પાસે દુનિયાના કુલ શિપ પૈકી 40 ટકા જથ્થો છે, અને તેઓ ગ્રીન શિપ રીસાયકલિંગ, હોંગકોંગ કન્વેન્શનનો અમલ કરતા દેશોમાં પોતાના જહાજ ભાંગવા માટે મોકલે છે. પરંતુ દક્ષિણ એશિયાના દેશોમાં જહાજ મોકલી રહ્યા નથી.

વર્ષ 2019માં શિપ બ્રેકિંગ એક્ટ બનાવવામાં આવ્યો છે, તે પૂર્વે અલંગ ખાતેના 105 શિપબ્રેકિંગ પ્લોટ એચકેસી ની આવશ્યક્તા મુજબના થઇ ચૂક્યા છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ સવલતો ધરાવે છે. તેથી હવે ઇ.યુ.ના જહાજો અલંગમાં લાવવા માટે સરકાર પ્રયાસરત છે.

તા.13 સપ્ટે.ના રોજ મુલાકાતી પ્રતિનિધિ મંડળ અલંગ શિપબ્રેકિંગ યાર્ડની મુલાકાત લેશે, અને અલંગમાં કેવા સુધારા કરવામાં આવ્યા છે, કેવી સવલતો છે, કાર્યપધ્ધતિ કેવી છે તેના વિષે જાણકારી મેળવી અને રિપોર્ટ તૈયાર કરશે.આમ 13મીએ મળનારી બેઠક અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ માટે મહત્વપૂર્ણ સાબિત થશે જેમાં અગત્યના નિર્ણયો લેવાશે.

અન્ય સમાચારો પણ છે...