ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા અને ખાનગી વ્યવસાયી ક્ષેત્રમાં નોકરી કરતો યુવાન ગત તા.19 માર્ચે ઓફીસે જવાનું જણાવી ગુમ થયો હતો. જેની લાશ ઘર નજીક આવેલા અવાવરૂ કુવામાંથી મળી આવી હતી. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ચિત્રાથી સિદસર તરફ જવાના રોડપર રામકૃષ્ણનગરમાં મૂળ બોટાદ જિલ્લાના વતની યોગેશ ઈશ્વરભાઈ મૂંધવા પરીવાર સાથે રહે છે. તેઓ કોઈ ખાનગી ઓફીસમાં નોકરી કરતા હોય ગત તા.19 માર્ચના રોજ સવારે ઓફીસ જાવ છું એમ જણાવી આ શખ્સ ગુમ થયો હતો.
આ દરમિયાન પરીવારે શોધખોળ હાથ ધરી હતી. જોકે ક્યાય પત્તો ન લાગતાં ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ત્યારે આજરોજ સવારે રામકૃષ્ણનગરમાં આવેલા અવાવરૂ કુવામાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિકોએ તપાસ કરતાં કુવામાં યુવાનની લાશ તરતી જોવા મળી હતી. જેથી સ્થાનિકોએ પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી પોલીસને સોંપી હતી. જેથી પોલીસે સ્થળપર પંચનામું કરી મોતનું ખરૂં તથ્ય જાણવા લાશને પોસ્ટમોર્ટમ માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડી પરીવારજનોના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.