હત્યારો કોણ?:મહુવામાં હત્યા કરાયેલી હાલતમાં વેપારીનો મૃતદેહ મળી આવ્યો, સર.ટી હોસ્પિટલમાં પેનલ પીએમ કરાયું

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લાના મહુવામાં કાપડની દુકાન ધરાવતા સિંધી વેપારી યુવાનની ગત રાત્રે કોઈ અજાણ્યા શખ્સો હત્યા કરી ઈમારતના બેઈઝમેન્ટમા કચરાના ઢગલામાં ફેંકી ફરાર થઈ જતાં પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મહુવમા શાસ્ત્રી વસાહત આગળ સોસાયટીમાં રહેતા અને ગાંધીબાગ સર્કલ નજીક આવેલ ભાસ્કર કોમ્પલેક્ષમા ઓમ સિલેક્શન નામે કાપડની દુકાન ધરાવતા જગદીશ ભગવાનમલ લાલવાણી ઉ.વ.42નો મૃતદેહ ભાસ્કર કોમ્પલેક્ષના બેઝમેન્ટમા કચરાના ઢગલામાં પડ્યો હોવાની માહિતી પોલીસને મળતા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં મૃતદેહ ચકાસતા કોઈ અજાણ્યા શખ્સોએ વેપારીના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટ્યાનું પ્રથમ તપાસમાં ખુલ્યું હતું.

આ સમાચાર વાયુવેગે વેપારી આલમમાં તથા સિંધી સમાજમાં પ્રસરી જતાં લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા આ અંગે મૃતકના પરિવારે લાશનું પેનલ પીએમ કરાવવાનો આગ્રહ રાખતાં પોલીસે ડેડબોડી ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડી હતી. વેપારીઓમા થતી ચર્ચા મુજબ મૃતક યુવાન મૃદુ અને મળતાવડા સ્વભાવનો હતો અને કયારેય કોઈ સાથે મનદુઃખ કે અદાવત ન હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે રાત્રે ગાંધીબાગ કાપડ બજારનાં વેપારીઓ એ ભોજનનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મૃતક યુવાન ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો. મૃતક પરણિત છે અને બે દીકરીઓ સાથે સુખી લાઈફ પસાર કરતો હોવાનું જાણવા મળ્યું છે તો આખરે આ હત્યા નું કારણ શું ? આ અંગે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...