હાલાકી:બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ છેલ્લા સાત મહિનાના તળીયે ગયો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જહાજના નૂર દરમાં ઘટાડો થવાની શરૂઆત થશે
  • અલંગ શિપબ્રેકિંગ​​​​​​​ યાર્ડમાં આગામી મહિનેથી જહાજોની આવક વધી શકે

આંતરરાષ્ટ્રીય સ્તરે જહાજોના નૂર દર નક્કી કરતો બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ છેલ્લા સાત મહિનાના તળીયે પહોંચી જતા જહાજના નૂર દરમાં પણ ઘટાડો થવાની હવે શરૂઆત થશે, અને તેના કારણે આયુષ્યના અંતિમ પડાવમાં પહોંચેલા જહાજો ભંગાણાર્થે વેચવાની શરૂઆત થઇ શકે છે. બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં ઘટાડાની ચાલ આગળ ધપી રહી છે, તેથી જહાજના માલીકોને ઓછા નૂર દરની ચિંતા હેરાન કરી રહી છે. બીજી તરફ કન્ટેનરની ભારે અછતને કારણે પણ જળ પરિવહન ક્ષેત્રે ઓટ આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં નૂર દર વધવાને કારણે વયસ્ક જહાજોને પણ સામાન્ય મરામત કરાવીને જળ પરિવહનક્ષેત્રે ચલાવવામાં આવી રહ્યા હતા. તેના કારણે શિપબ્રેકિંગ ક્ષેત્રે આવતા જહાજોમાં ઓટ આવી હતી. પરંતુ હવે નૂર દર ઘટવાની સાથે જ ભંગાણ માટે જહાજોના આવવાની શક્યતાઓ વધી હોવાનું એમ.વાય.પી.ઇમ્પેક્સના વાઇસ પ્રેસિડેન્ટ જ્હોન રીબેલોએ જણાવ્યુ હતુ.

છેલ્લા એક વર્ષથી અલંગમાં તેજી હોવા છતા જહાજની આવક ઘટી છે. હવે આંતરરાષ્ટ્રીય પરિબળો પુન: અલંગની તરફેણ તરફ આગળ ધપી રહ્યા છે તેથી એક-બે મહિનામાં જહાજની સ્થિતિ સુધરવાના એંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...