વિધાનસભાની ચૂંટણીમાં રાજકિય પક્ષો વણિક સમાજને અન્યાય ન કરે તે માટે વણિક સમાજની એકતા સ્થાપિત કરવા તાજેતરમાં અખિલ ભારતીય સમસ્ત વણિક સમાજ વીરસેનાના નેજા નીચે વણિક સમાજના અગ્રણીઓની એક બેઠક ભાવનગર ખાતે મળી હતી. જેમાં વણિક સમાજનું સંગઠન એક રહે તે માટે અને રાજકિય પક્ષો સુધી સમાજનો અવાજ પહોંચાડવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતભરના જિલ્લાઓમાં ક્રમશ: આ બેઠકો થઈ રહી છે.
જૈન સંપ્રદાય, મોઢ સંપ્રદાય, વૈશ્નવ સંપ્રદાય સહિત વણિક સમાજના જુદા જુદા વિભાગોના આગેવાનોની એક બેઠક ભાવનગર ખાતે મળી હતી. આ બેઠકમાં વણિક સમાજ મતદાન કરવા માટે જાગૃત થયો છે તેને વધુ જાગૃત બનાવવા પર ભાર મુકયો હતો.
બેઠકમાં જણાવાયું હતું કે ગુજરાતના ઈતિહાસમાં વણિક સમાજના મુખ્યમંત્રીએ અને ધારાસભ્યોએ સબળ અને નેત્રદિપક નેતૃત્વ પુરૂ પાડ્યું છે. પણ વણિક સમાજને રાજકિય પક્ષો દ્વારા સતત અન્યાય થઈ રહ્યો છે. વણિક સમાજ જ્ઞાતિ-જાતિવાદથી પર રહીને પણ બધાને સાથે રાખીને કામ કરી રહ્યો છે. ત્યારે સમાજ દ્વારા રાજકિય પક્ષોને વણિક સમાજને વધુમાં વધુ ટિકિટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરાશે.
સમાજની અવગણના થઈ રહી છે, માટે એકતા જરૂરી
ભાવનગરમાં સ્વ.નગીનભાઈ શાહ, સ્વ.પ્રતાપભાઈ શાહ, સ્વ.રસીકભાઈ નાથાલાલ શાહ સહિત અનેક પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓએ શહેરને યોગ્ય નેતૃત્વ પુરૂ પાડ્યું છે. પણ વણિક સમાજની છેલ્લા કેટલાક વર્ષોથી અવગણના થઈ રહી છે. આ સંજોગોમાં સમાજ એક બની અને કાર્યશીલ રહેતો રાજકિય પક્ષો યોગ્ય ન્યાય આપશે જ એવી અમને આશા છે. - કમલેશ જે. મહેતા, પ્રમુખ વીરસેના, ભાવનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.