તલાટી કમ મંત્રીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા સમગ્ર ગુજરાત રાજ્ય સાથે ભાવનગર જિલ્લાના 664 જેટલા ગામોના 450 જેટલાં તલાટી-કમ-મંત્રીઓ પણ આવતીકાલ 2જી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે. હાલમાં સરકારના હર ઘર તિરંગા, આઝાદી કા અમૃત મહોત્સવ અને ગ્રામસભાઓ ચાલી રહી છે ત્યારે આવતીકાલથી તલાટી મંત્રીઓ હડતાલ પર જતા સરકારી કાર્યક્રમો ઉત્સવની કામગીરી પણ ખોરંભે ચડી જશે.
ભાવનગર સહિત રાજ્યભરના તલાટી કમ મંત્રીઓના પ્રશ્નો વિવાદ લાંબા સમયથી શરૂ છે. રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આજ સુધી એક પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી જેથી તમામ તલાટી કમ મંત્રી ઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભાવનગર સહિત રાજ્યભરના તલાટીઓ આવતીકાલ તારીખ 2જી થી અચોક્કસ મુદતની હડતાલ પર જશે.હાલમાં સરકારના કાર્યક્રમોની વણઝાર શરૂ છે.
હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાનું વેચાણ કરવાનું છે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો ચાલુ છે. તેમજ ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓ પણ શરૂ છે. ત્યારે આવકના દાખલા, જન્મ મરણ પ્રમાણપત્ર, ખેડૂતના દાખલા સહિતની પ્રજાલક્ષી કામગીરી તો અટવાશે જ, સાથોસાથ સરકારી કાર્યક્રમો પણ ખોરંભે ચડશે. જોકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી કરવા માટે તલાટીઓ તૈયારી દર્શાવી છે.
કર્મચારીઓની હડતાલથી કાયદાનો થાય છે ભંગ
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) 1971 અનુસાર સરકારી કર્મચારીઓ સમુહમાં જોડાઈને કામ બંધ કરવું, સાથે મળીને કામ કરવાની ના પાડવી, ગમે તેટલી સંખ્યાના સરકારી કર્મચારીઓની સહિયારી સમજ હેઠળ કામ કરવાની ના પાડવી જેને દેખાવો અથવા તો હડતાલના રૂપમાં જણાવવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓ આવી હડતાલમાં જોડાઇ તો કાયદાનો ભંગ ગણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.