ફરતા પશુ દવાખાનાની સેવા સંજીવની બની:1962ની હેલ્પલાઇને બે વર્ષમાં ભાવનગરના 350થી વધારે ગામડાઓમાં સેવા આપી, કુલ 1.78 લાખથી વધુ પશુઓને સારવાર પૂરી પડાઇ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત પશુ ચિકિત્સકો દ્વારા ઉજવણી કરાઇ
  • અધિક કલેક્ટરે શુભેચ્છા આપી શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મીઓનું સન્માન કર્યુ

જે રીતે માનવો માટે રાજ્યમાં 108ની સેવા સંજીવની બની છે. તેવી જ રીતે અબોલ પશુઓ માટે 1962ની સેવા સંજીવની બની છે. 1962ની સેવા 2 વર્ષ પહેલાં ભાવનગરમાં શરૂ કરવામાં આવી હતી. 10 ગામ દિઠ ફરતાં પશુ દવાખાનાને આજે બે વર્ષ પૂર્ણ થતાં આજે ગુરૂવારના રોજ તેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અબોલ પશુઓ માટેની બોલતી એવી આ સેવાને ચાલું વર્ષે 22 મી જૂન 2022ના રોજ 2 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત પશુ ચિકિત્સકો દ્વારા કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં છેલ્લાં બે વર્ષ દરમિયાન જિલ્લાના કુલ 25 ફરતાં પશુ દવાખાના દ્વારા કુલ 350 થી વધારે ગામડાઓમાં આ સેવા પૂરી પાડવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 1,78,282 પશુઓને ગામની રૂબરૂ મુલાકાત લઇને સારવાર આપવામાં આવી છે.

અધિક કલેક્ટરે શુભેચ્છા આપી શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મીઓનું સન્માન કર્યુ
આજરોજ અધિક નિવાસી કલેક્ટર બી.જે પટેલે તથા જિલ્લા પશુપાલન અધિકારી ભાવનગર 108 અને 1962ના જિલ્લા પ્રોગ્રામ મેનેજર તથા જિલ્લા અધિકારીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં કેક કટીંગ કરીને આજના દિવસની ઉજવણીને ખાસ બનાવી હતી. તેમજ આજના આ ખાસ દિવસ પર અધિક નિવાસી કલેક્ટર તથા જિલ્લા પશુપાલન અધિકારી, ભાવનગર દ્વારા શુભેચ્છા આપી શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કર્યું હતું.

અબોલ જીવો તો ભાષા અને વાચા વગરના છે - અધિક કલેક્ટર
નિવાસી અધિક કલેક્ટરે અબોલ જીવોની ચીવટથી કાળજી તેમજ સારસંભાળ માટેની કામગીરી વધારે કપરી છે તેમ જણાવી કહ્યું હતું કે, બોલતાં માનવીને તો પુછીને સમજી શકાય કે તેમને શું થાય છે. પરંતુ આ અબોલ જીવો તો ભાષા અને વાચા વગરના છે. ત્યારે તેમના હાલચાલ, તેમની સંવેદના ઓળખીને તેમના રોગ વિશેની જાણકારી મેળવવી એ વધુ કપરું કાર્ય છે. પશુપાલન ખાતાના કર્મયોગીઓએ આ કાર્ય સારી રીતે કરી જાણ્યું છે તે માટે તેમને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવી વધારે સારી કામગીરી કરવાં માટે ઉત્સાહ વધાર્યો અને તમામ પશુ ચિકિત્સકો અને એમની ટીમને વધારેમાં વધારે સારું કાર્ય કરે અને અબોલ જીવોની સારી રીતે સેવા પૂરી પાડે તેવી શુભેચ્છા પાઠવી હતી.

ફરતા પશુ દવાખાનાએ કુલ 350થી વધારે ગામમાં સેવા પૂરી પાડી
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભાવનગર જિલ્લામાં 10 ગામ દિઠ ફરતા કુલ 25 પશુ દવાખાના કાર્યરત છે. તેમજ શહેરી વિસ્તાર માટે એક 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન જિલ્લાના કુલ 25 ફરતાં પશુ દવાખાના દ્વારા કુલ 350 થી વધારે ગામડાઓમાં આ સેવા પૂરી પાડવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 1,78,282 પશુઓને ગામની રૂબરૂ મુલાકાત લઇને સારવાર આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...