ચૂંટણી આવી ગ્રાંટની લ્હાણી:બોલો શું સુવિધા જોઈએ છે ? સાંસદે યાદી બનાવી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડમાં કોર્પોરેશન પાવરધુ, એટલે શેડ, સ્નાનાગારમાં ફાળવ્યા
  • દરેક વોર્ડમાં​​​​​​​ ગ્રાંટના ફાળવ્યા પાંચ સાત લાખ, સાત વિધાનસભા માટે માંડ મળે છે પાંચ વર્ષે પાંચ કરોડ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પ્રજાના પ્રતિનિધિઓ પણ પ્રજા સુવિધા અને પ્રશ્નો માટે સક્રિય બન્યા છે. સાંસદે શહેર ભાજપ કાર્યાલય ખાતે જ વોર્ડ વાઈઝ નગરસેવકો અને વોર્ડ સંગઠનની બેઠક કરી જરૂરિયાત મુજબના કામો માટે રકમ સાંસદ ગ્રાન્ટમાંથી ફાળવવાની કાર્યવાહી કરી હતી. જોકે, ભાવનગર જિલ્લામાં ધારાસભ્યો દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની નારાજગીને ડામવા માટે શાસક પક્ષ દ્વારા પ્રયાસો શરૂ થયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પણ આવતા નથી. વોર્ડના રાજકારણમાં ઘણા વિસ્તારોમાં નજીવી સુવિધાઓથી પણ વંચિત રહી જાય છે.

પરંતુ ચૂંટણી ટાણે મતદારોને રિઝવવા વર્ષોથી નહિ ઉકેલાયેલા પ્રશ્નો ઘડીના છઠ્ઠા ભાગે શાસકો દ્વારા ઉકેલાઈ જાય છે. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેશનના પદાધિકારીઓની હાજરીમાં તેરે તેર વોર્ડના વારાફરતી નગરસેવકો અને વોર્ડ સંગઠનના પદાધિકારીઓને બોલાવી વોર્ડમાં જરૂરી સુવિધાઓ માટે સૂચનો લઈ સાંસદ ગ્રાન્ટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરી હતી.

ભાવનગર શહેરમાં ધારાસભ્ય અને કોર્પોરેટરોની અને સરકારમાંથી ફાળવાતી ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક, રોડ રસ્તા, ડ્રેનેજ, વોટર વર્ક્સ, બ્યુટીફીકેશન સહિતના કામો કરવામાં આવે છે. જેથી નાની રકમની સુવિધાઓથી વંચિત રહે છે. સાંસદ દ્વારા સરકારી સ્કૂલમાં છાપરાના અભાવે બહાર ભોજન લેતા બાળકો માટે છાપરુ, વિવિધ કાર્યક્રમો માટે કોમન પ્લોટમાં શેડ, સ્નાનઘર સહિતના કામો માટે ગ્રાન્ટ ફાળવી હતી.

સંસદે આજે વોર્ડ વાઈઝ બેઠક યોજી જુદી જુદી સુવિધા માટે ગ્રાન્ટની ફાળવણીની કાર્યવાહી કરી હતી. પરંતુ આખા વોર્ડ માટે માત્ર પાંચથી સાત લાખ રૂપિયા જ ફાળવી શક્યા હતા. કારણકે, સાંસદની હેઠળ સાત વિધાનસભા વિસ્તાર આવવા છતાં પાંચ વર્ષ માટે માત્ર 5 કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા અપાય છે. જ્યારે ધારાસભ્યને એક વિધાનસભા દીઠ પાંચ વર્ષ માટે રૂ.7.50 કરોડ સરકાર આપે છે.

અન્ય સમાચારો પણ છે...