તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણમાં સાંપ્રત:કોરોના કાળમાં વિદ્યાર્થીઓમાં આવેલી ખામીઓ નિવારવા માટે શિક્ષકોએ ખુબી વિકસાવવી પડશે

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા કોરોના કાળ બાદ શૈક્ષણિક ક્ષેત્રે આવેલા પડકારો અંગે યોજાયો શૈક્ષણિક ટોક શો

કોરોનાનો પ્રકોપ ધીરે ધીરે શાંત થવા લાગ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યભરમાં ધો.9થી ધો.12માં શાળાઓમાં વર્ગ શિક્ષણનો આરંભ થઇ ગયો છે તેમજ આવતી કાલ તા.18થી ધો.6થી ધો.8માં વર્ગ શિક્ષણનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યારે દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી, શહેરના નિષ્ણાત શિક્ષણવિદો, શાળા સંચાલકો સાથે કોરોના પછીના કાળમાં શિક્ષણમાં આવેલા પડકારો વિષે ટોક શો યોજાયો હતો.

જેમાં એક તારણ મુખ્ય બહાર આવ્યું હતુ કે કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓમાં 10 કે 11 માસ સુધી ઘરે રહેવાથી જે ખામીઓ આવી ગઇ છે તે સુધારવા શિક્ષકોએ પોતાનામાં ખુબીઓ વિકસાવવી પડશે. કાર્યક્રમમાં સ્વાગત યુનિટ હેડ જયદીપ મહેતાએ કરેલું જ્યારે આભાર વિધી માર્કેટીંગ વિભાગના ફિરોઝ પઠાણે કરી હતી.

ઓનલાઇનથી નુકશાન વધુ થયુ
ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓને ફાયદા કરતા નુકશાન વધુ ગયું છે. ઘણાના ઘરે ઓનલાઇન શિક્ષણ વખતે પૂરતા પ્રમાણમાં મોબઇલ ઉપલબ્ધ ન હતા. તો ક્યાંક કવરેજના પ્રશ્ન હતા. જેઓને સંપૂર્ણ સુવિધા હતી તેઓને વાંધો નથી આવ્યો. વર્ગ શિક્ષણમાં સીધો સંપર્ક થઇ શકશે જે સર્વાધિક ફાયદાકારક છે. યોગ્ય સમયે શિક્ષણ કાર્ય શરૂ થયું છે. શિક્ષકોએ હવેના 3 માસમાં વધારે મહેનત કરવી પડશે. - અશોક ગોહેલ, સંચાલક, સામવેદ સ્કૂલ

ત્રણેક માસ બોર્ડની પરીક્ષા માટે પૂરતા છે
આગામી મે માસમાં બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા લેવાની છે તે પહેલા ત્રણેક માસ પૂર્વેથી શાળાઓમાં વર્ગ શિક્ષણ ચાલુ થઇ ગયું તે ખરેખર આવકારદાયી છે તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિકાલ થાય તે માટે પુરતો સમય છે. એક હકીકત એ છે કે ઓનલાઇન શિક્ષણમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરમાં નબળા વર્ગના વિદ્યાર્થીઓને ખાસ લાભ મળ્યો નથી. વળી ઓનલાઇન શિક્ષણ એ વર્ગ શિક્ષણનો વિકલ્પ ન બની શકે. - પરેશભાઇ ત્રિવેદી, પ્રમુખ, શહેર માધ્યમિક આચાર્ય સંઘ

હવે બાળકો વધુ શિસ્તબદ્ધ થયા છે
કોરોના બાદ બાળકો ઘરના મોટેરાઓથી વધુ શિસ્તબદ્ધ થઇ ગયા છે. કોરોનાની સંભાળ જાતે લેતા થઇ ગયા છે અને શાળામાં 90 ટકા હાજરી થઇ ગઇ છે. જો કે લાંબો સમય ઘરે રહ્યાં એટલે બાળકોનું માઇન્ડ સેટ અપ ડિસ્ટર્બ થઇ ગયું છે. પણ હવે શાળાઓ શરૂ થતા આનંદમાં આવી ગયા છે. વિદ્યાર્થીઓ શિક્ષણમાં અગાઉથી વધુ રસ લેતા થયા છે જે કોરોનાની હકારાત્મક અસર ગણી શકાય. શાળાઓમાં મિત્રને મળતા જાણે ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે.- બી.પી.જાગાણી, સંચાલક, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ

વર્ગ શિક્ષણ સાથે ઓનલાઇન અનિવાર્ય
સાચું છે કે વર્ગ શિક્ષણનો કોઇ વિકલ્પ નથી.બાળકો ઘરે બેઠા સર્વાંગી પ્રગતિ કરી નહી. આ માટે તો ઘરનો ઉંબરો ઓળંગવો જ રહ્યો. પણ હવે વર્ગ શિક્ષણની સાથે શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણને સ્વીકારવું જ પડશે. કોરોનારૂપી આફતને આપણે અવસરમાં બદલી શક્યા છીએ. સરકારે સ્કૂલોની અને વિદ્યાર્થીઓ બન્નેની મુશ્કેલીઓ સમજીને નિર્ણયો લીધા છે જેથી આયોજનબદ્ધ મહેનત કરી હશે તે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારી ટકાવારી આવશે તેની ખાત્રી છે.- એન.જી.વ્યાસ, ડીઇઓ, ભાવનગર

મોબાઇલ છોડાવવા કાઉન્સેલિંગ જરૂરી
બાળકોને કોરોના કાળ દરમિયાન મોબાઇલનું વ્યસન હતુ તે વધી ગયું છે. આ માટે શાળાઓ અને શિક્ષકોએ સતત કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. જેથી વિદ્યાર્થી વર્ગ શિક્ષણમાં પ્રવૃત્ત થાય. વળી ઘરે રહીને ઓનલાઇન ભણતા હોય આખો દિવસ ભણવાનું ન હોય 80થી 85 ટકા બાળકોમાં ઉંઘનું પ્રમાણ વધી ગયું છે. અમે આ સંજોગોમાં બાળકોને કાઉન્સલિંગ ઉપરાંત પ્રેરક વાતો અને પ્રોત્સાહિત માહોલ બનાવી રહ્યાં છીએ. - મનહર રાઠોડ, સંચાલક, જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ

ગ્રામ્ય કક્ષાએ યોગ્ય માર્ગદર્શન મળ્યું નથી
કોરોના કાળ દરમિયાન શિક્ષણમાં અનેક પરિવર્તન આવ્યાં. ઓનલાઇન શિક્ષણ આવ્યું પણ તેનો પૂરો લાભ ગ્રામ્ય કક્ષાએ મળ્યો નથી. ત્યાં ઓનલાઇન શિક્ષણ મળ્યું નથી અને સાથે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પણ મળ્યું નથી. આથી જ 4 ટકા જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ છોડી ને ચાલ્યા ગયા છે. ઓનલાઇન સાથે ગેમીંગ અને અન્ય એપ્લિકેશનનું વળગણ વિદ્યાર્થીઓમાં થઇ ગયું છે જે ત્વરિતપણે છોડાવવું પડશે. - ડી.પી.બલદાણીયા, સારથિ સ્કૂલ

મુશ્કેલીનો માર્ગ છે યોગ અને પ્રાણાયામ
અત્યારે આપણે સૌ કોઇ ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણની વચ્ચેના સમયગાળામાંથી પસાર થઇ રહ્યાં છીએ ત્યારે વાલીઓ, શિક્ષકો, સંચાલકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદિતતાનો સેતુ સધાય તે સૌ પ્રથમ શરત છે. વિદ્યાર્થીઓ કે વાલીઓમાં ફોબીયા વધ્યો હશે તો દુર કરવો જ પડશે. આથી વાલી હોય કે વિદ્યાર્થી સૌ કોઇએ આજના કોરોના કાળમાં યોગ, પ્રાણાયામ અને ધ્યાન તરફ વળવું જોઇએ. રોજ જો પાંચ મિનિટ આપશો તો પણ ઘણો ફાયદો થશે. - ખ્યાતિબહેન પારેખ, નેચરોપથી કાઉન્સેલર

વાલીઓએ સંતાનોની સંભાળ લીધી નથી
કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓ ઘરે હતા ત્યારે તેના માતા-પિતાએ જે રીતે તેમના સંતાનોની સંભાળ લેવી જોઇએ તે લીધી નથી. તે શું ભણે છે કેવી રીતે ભણે છે, કેવું ભણે છે તે અંગે વાલીઓ બેદરકાર રહેતા તેમના સંતાનો મોબાઇલનો દુરુપયોગ કરતા થઇ ગયા છે. ઓનલાઇન શિક્ષણ તો સારૂ છે સંતાનોની અચૂક સંભાળ લેવી જ જોઇએ. અન્યથા બાળકો મોબાઇલના દૂષણોથી મુક્ત રહી શકે નહી. - ગીતાબહેન પટેલ, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજ

જરૂરીયાતમંદ વાલીઓ પ્રત્યે હમદર્દી રાખજો
આજે ટોક-શો દરમિયાન ડીઇઓ એન.જી.વ્યાસે ખાનગી શાળા સંચાલકોને 75 ટકા ફી લેવાની છે તે બાબતે જણાવ્યું હતુ કે જેઓ નોકરિયાત છે તેની પાસેથી ફી લેજો. પણ જરૂરીયાતમંદ વાલીઓને ધ્યાને લઇને તેમને રાહત આપજો. સંચાલક મંડળે પણ આ બાબતે આગળ આવવું જોઇઅે. ફી ભરવા નબળા વર્ગના વાલી પ્રત્યે હમદર્દી રાખી રાહત આપવા અપીલ કરી હતી.

પ્રેગનન્સીમાં શિક્ષીકાએ લેક્ચર લીધા, ફ્રેકચર હતુ છતા ભણાવ્યા...
ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું હતુ કે આ સમયગાળામાં એક સગર્ભા શિક્ષિકાએ પોતાની પ્રેગનન્સીના આઠમા માસના અંતિમ દિવસોમાં અોનલાઇન શિક્ષણ આપતા હતા. જ્યારે અન્ય એક શિક્ષકને ફ્રેક્ચર થયું હોવા છતાં તે તેમના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવતા હતા. આ બન્ને ઉદાહરણ ઓનલાઇન શિક્ષણથી થયેલા ફાયદાના છે. કારણ કે વર્ગમાં તો ભણાવવા આ બન્ને શિક્ષકોએ આવી શકે તેમ ન હતા. માત્ર ઓનલાઇનની સુવિધાને લીધે આ શક્ય બન્યું હતુ.

શિક્ષકો માટે પણ મોટીવેશનલ સેમિનાર યોજાશે
આજના ટોક-શોમાં જણાવાયું હતુ કે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલના મંડળ દ્વારા શિક્ષકો માટે બીએપીએસના પૂ.જ્ઞાનવત્સલ સ્વામીના મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવાનું વિચારાઇ રહ્યું છે જેથી શિક્ષકોને હાલની સ્થિતિમાં
પ્રોત્સાહન મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો