આક્રોશ:AC રાખનાર વેપારીઓ માથે ઝીંકાયો વેરાનો જબ્બર વધારો: તઘલખી નિર્ણય

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરની ઘટતી જતી વસ્તી માટે આ શાસકો જવાબદાર
  • હોટલ રેસ્ટોરન્ટવાળા ટેક્સમાં રાહત માટે ગયા ત્યાં ડબલ વધારો ઝીંકી દીધો

ભાવનગર કોર્પોરેશનના શાસકોની અવળચંડાઈ તો એવી છે કે, લોકડાઉન સમયે ઓક્સિજન પર આવી ગયેલા હોટલ રેસ્ટોરન્ટને હાઉસ ટેક્ષ, વ્યવસાય વેરા સહિતમાં રાહત માગવા ગયા ત્યાં ટેક્સમાં રાહત આપવાનું તો એક તરફ રહ્યુ પરંતુ છેલ્લા બે મહિનાથી બંધ રહેલી હોટલ રેસ્ટોરન્ટને કળ પણ વળી નથી અને ઉપરથી કોર્પોરેશન દ્વારા સો થી દોઢ સો ગણો મિલકતવેરામાં વધારો ઝીંકી દીધો છે. એવી જ હાલત સલૂન, બ્યુટી પાર્લરવાળાની પણ થઇ છે. હાલમાં 44 ડીગ્રીને પાર તાપમાનનો પારો છે આવી પરીસ્થિતીમાં સામાન્ય રીતે નાની દુકાનોમાં પણ એરકંડીશન હોય છે.

 ત્યારે માત્ર એરકન્ડીશનની સુવિધાને કારણે સલૂનવાળા સહીતનાને પણ વધારો ઝીકી આર્થિક કમર તોડી નાખી છે. ભાવનગરમાંથી ઉદ્યોગ-ધંધા અને રોજગારીના અભાવે અથવા તો નવી તક ઉભી નહિ થતા છેલ્લા ઘણા વર્ષોથી અન્ય શહેરોમાં સ્થળાંતર વધી ગયું છે. આવી પરિસ્થિતિમાં ભાવનગરમાં રોજગારીની સુરક્ષા મળી રહે અને ઉદ્યોગ-ધંધાને પ્રોત્સાહન મળે તેવું કાર્ય સત્તાધારીઓ અને તંત્ર વાહકોએ કરવું જોઈએ પરંતુ ભાંગતા જતા ભાવનાગરને હજુ વધારે ભાંગી નાખવું હોય તેમ કોરોના મહામારીમાં કોર્પોરેશને હોટલ રેસ્ટોરન્ટ, શાળા-કોલેજો, સલૂન બ્યુટી પાર્લર, જીમ સહિતનાને વધુ માર માર્યો છે.

કોર્પોરેશન લોકડાઉનમાં ઉદ્યોગ-ધંધાને ટકાવી રાખવા રાહત આપવાને બદલે લોકડાઉનમાં જ હાઉસ ટેક્સમાં અનેક ગણો વધારો કરી આગામી દિવસોમાં પણ આ વ્યવસાયો ઉભા જ ન થઈ શકે તેવી કામગીરી કરી છે. જેની સામે ભારે રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ હાઉસ ટેકસમાં અસહ્ય વધારા સામે વ્યવસાયકારો, દુકાનદારો, સંસ્થાના સંચાલકોનો આક્રોશ ચરમસીમાએ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

સરકારમાંથી માર્ચમાં મંજૂરી મળી તો લોકડાઉનમાં કોર્પોરેશને સર્વે ક્યારે કર્યો ? 

હોટલ રેસ્ટોરન્ટ, શાળા-કોલેજો, સલૂન બ્યુટી પાર્લર સહિતમાં હાઉસ ટેકસના ફેક્ટરમાં ફેરફાર કરી ટેક્સમાં વધારો ઝીંકવા ગત ડિસેમ્બર 2019માં સાધારણ સભામાં શાસકોએ બહુમતીએ નિર્ણય કર્યો હતો અને તેને મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવ્યો હતો. જેની મંજૂરી માર્ચ મહિનામાં આવી પરંતુ માર્ચ મહિનાથી તો કોરોના વાયરસને કારણે લોકડાઉન છે. અને હોટલ રેસ્ટોરન્ટ, દુકાનો બધુ બંધ હતું. તો કોર્પોરેશન દ્વારા સર્વે કરાયો ? વાસ્તવમાં તો કોર્પોરેશન દ્વારા આ સંદર્ભ નો તટસ્થ રીતે કોઇ સર્વે કરાયો નહીં હોવાનો આક્ષેપ માત્ર વિપક્ષ નહીં પરંતુ જે કરદાતાઓ અને ટેક્સમાં વધારો ઝીંકાયો છે તેઓ પણ કરી રહ્યા છે. 

નિર્ણય ગેરબંધારણીય, રદબાતલને પાત્ર

 હોટલ રેસ્ટોરન્ટનો વ્યવસાય અનેક લોકોને  રોજગારી આપે છે. જે ભાવનગર માટે કરોડરજ્જુ સમાન છે. પરંતુ લોકડાઉનમાં છેલ્લા બે મહિનાથી બંધ છે. જેથી અનેક કર્મચારીઓનો પગાર, તેઓની વ્યવસ્થા ઉપરાંત જરૂરી ટેક્સ સહિતના ખર્ચાઓ તો હતા જ. તેમાં ઓછામાં પૂરું કોર્પોરેશને અસહ્ય હાઉસ ટેક્ષ લાદી દીધો છે. જોગવાઈ અનુસાર કોઈ વાંધા સૂચનો પણ મંગાવાયા નથી જે ગેરબંધારણીય છે. અને આ નિર્ણય રદબાતલને પાત્ર છે. જેની રજૂઆત પણ કરાઇ છે.> કૃષ્ણદેવસિંહ સરવૈયા, પ્રમુખ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.

અન્ય સમાચારો પણ છે...