રાજ્યમાં બંદરોના સંચાલન કરી રહેલા ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)માં અનિર્યાણક્તાએ ઘર કરી લેતા અલંગ શિપબ્રેકિંગ યાર્ડના 15 પ્લોટ ટ્રાન્સફરની બાબત અધ્ધરતાલ છે, ઉપરાંત મથાવડામાં નવા પ્લોટ બનાવવાની બાબતમાં પણ કોઇ કામગીરી આગળ ધપી રહી નથી.
કેન્દ્રીય નાણામંત્રીએ વર્ષ 2021-22ના બજેટ દરમિયાન ઘોષણા કરી હતીકે, અલંગ શિપબ્રેકિંગ યાર્ડની ક્ષમતા વર્ષ 2024 સુધીમાં બમણી કરવામાં આવશે. અને તેના અંતર્ગત અલંગની બાજુમાં મથાવડા ખાતે નવા શિપબ્રેકિંગ પ્લોટ રજૂ કરવાની યોજના રાજ્ય સરકારે સપાટી પર લાવી હતી. પરંતુ વર્ષ 2022ના ઉત્તરાર્ધ સુધી મથાવડામાં નવા પ્લોટ બનાવવા અંગેની એકપણ કામગીરી આગળ ધપી શકી નથી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જે હયાત પ્લોટ છે તેમાં કોઇ વ્યવસાયકારને નવા ભાગીદારો ઉમેરવાના હોય, પ્લોટ હસ્તાંતરીત કરવાના હોય તેની નિયત ફી વસુલીને કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ જીએમબીના સીઇઓ-વીસી અવંતિકાસિંઘને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકવામાં આવ્યા છે,
અને જીએમબીનો વધારાનો ચાર્જ તેઓને સોંપવામાં આવ્યો છે. અધિકારીઓ જીએમબીના નિર્ણયો, ફાઇલો લઇને કલાકો સુધી સચિવાલયમાં ઇન્ચાર્જ સીઇઓ-વીસીની રાહમાં બેઠા રહે છે, અને કામ થઇ નહીં રહ્યા હોવાથી સરકારને કરોડો રૂપિયાના કરવેરાની ઘટનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્લોટ ટ્રાન્સફરની બાબદ અધ્ધરતાલ હોવાને કારણે વ્યવસાયકારો અનિર્ણાયક્તાનો ભોગ બને છે અને પોતાના વ્યવસાય માટે રણનીતિઓ ઘડી શક્તા નથી, અને જહાજ નહીં ખરીદતા હોવાને કારણે આડકતરી રીતે જીએમબીને કરોડા રૂપિયા કરવેરાની ઘટ આવે છે.
અેક તરફ કેન્દ્ર સરકાર અલંગની ક્ષમતા બમણી કરવા માટે સતત પ્રયાસરત છે, ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર નિયમીત જીએમબીમાં સીઇઓ-વીસીની નિમણૂંક પણ કરી શક્તી નથી. જેના કારણે સમગ્ર રાજ્યના બંદરોની વહિવટી પ્રક્રિયાઓ લકવાગ્રસ્ત બની રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.