જીએસટી તંત્રનો પનો હજુ ટુંકો:"ટાટા'નું GSTને 10 મહિનાથી ટાટા : મહંમદ તંત્રની પકડથી દૂર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિલેશ પટેલ, હસન કલીવાલા પકડાયા : ટાટા મુખ્ય ષડયંત્રકાર
  • ​​​​​​​ટાટાની સાથે અધિકારીઓ, માથાભારે શખ્શો, રાજકીય લોકોનો ધરોબો

બોગસ બિલિંગના કાળા કારોબારમાં મુખ્ય ભેજાબાજોની શ્રેણીમાં સ્થાન ધરાવતા હસન કડીવાલાને રવિવારે વહેલી સવારે મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવતા અનેકના પગ તળે રેલો આવવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ લાંબા સમયથી બંને જીએસટી તંત્રને જેની તલાશ છે તે મોહંમદઅબ્બાસ એસ. સવજાણી ઉર્ફે મહંમદ ટાટા હજુ પણ બંને જીએસટી તંત્રની પહોંચની બહાર છે.

સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વીંગ દ્વારા ગત જુલાઇ માસથી શરૂ કરવામાં આવેલી જીએસટી બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ લેવા જેવી ગેરરીતિને ડામવા માટેની કાર્યવાહીમાં નિલેશ પટેલ અને હસન કલીવાલા એમ બે મોટા માથાની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અનેક રાજ્યોમાં બોગસ બિલિંગનું નેટવર્ક ધરાવતા મહંમદ ટાટા સુધી પહોંચવામાં બંને જીએસટી તંત્રનો પનો હજુ ટુંકો પડી રહ્યો છે. ટાટા માટે તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માહિતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે.

મોહંમદ ટાટા વર્ષોથી બોગસ બિલિંગ ક્ષેત્રે સંકળાયેલો છે, અને સરકારી અધિકારીઓ સાથે તેને ઘનિષ્ઠ ધરોબો છે. અધિકારીઓની છત્રછાંયા તળે જ મહંમદ ટાટાએ અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઉભુ કર્યુ છે. આવા આક્ષેપો તળે જ ભાવનગર ખાતે બંને જીએસટીના મોટાભાગના સ્ટાફને બદલાવવામાં આવ્યો હતો.

જો કે ગત જુલાઇ માસથી ભાવનગર અને રાજ્યમાં ધોંસ વધતાની સાથે ટાટાએ ગુજરાત છોડી અને પડોશી રાજ્યોમાં શરણું લીધુ છે. ટાટાને પકડવા માટે જીએસટી તંત્રે તમામ એરપોર્ટ પર તેની વિગતો આપી રાખેલી છે. હસન કલીવાલા અને મહંમદ ટાટા મુંબઇ ખાતે વસવાટ કરી રહ્યા છે. તે પૈકી હસન સાઉદી અરેબીયાના જેદ્દાહની ફ્લાઇટ પકડવા જતા પકડાયો હતો. અગાઉ જ્યારે જ્યારે જીએસટીના દરોડા પડવાના હોય તે અગાઉ ટાટાને તેની માહિતી મળી જતી હતી, અને તેના કારણે તે તંત્રની પહોંચની બહાર રહે છે. ટાટા અધિકારીઓ, માથાભારે શખ્શો, રાજકીય લોકો સાથે ધરોબો ધરાવે છે.

હસન કલીવાલા 21મી સુધી રીમાન્ડ પર
મુંબઇથી પકડાયેલા હસન કલીવાલાને અમદાવાદ કોર્ટ દ્વારા 21મી એપ્રિલ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. તેનું મોઢું ખોલાવવામાં તંત્ર સફળ રહેશે તો અનેક નાના-મોટા ઓપરેટરો તથા રોડ બિલ ક્ષેત્રે સંકળાયેલા બોગસ બિલિંગના કારોબારીઓના નામ ખુલશે.

અન્ય સમાચારો પણ છે...