• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Target To Vaccinate 1.10 Lakh People At 600 Different Places In Bhavnagar District On The Occasion Of Prime Minister Narendra Modi's Birthday

મહારસીકરણ મહાભિયાન:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઇ ભાવનગર જિલ્લાના વિવિધ 600 સ્થળે 1.10 લાખ લોકોનું રસીકરણ કરવાનો લક્ષાંક

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં 17 હજાર 500 લોકોનું રસીકરણ કરવાનું આયોજન
  • રસીથી વંચિત તમામ લોકો રસીકરણ કરાવે તે માટે કલેક્ટરે અપીલ કરી

સમગ્ર રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં ઘણાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારના નક્કર કદમથી લોકોને સમયસર સારવાર મળી રહી તેની સાથે લોકોને સુરક્ષિત રાખવા રસીકરણના અભિયાનને તેજ બનાવવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે.

ભાવનગર જીલ્લામાં મહારસીકરણ અભિયાન અન્વયે થયેલી કામગીરી અંગે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે મીડિયાના મિત્રો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમની સાથે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા પણ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

જિલ્લામાં થયેલ કામગીરીની વિગત આપતાં કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, આવતીકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 'ગરીબોની બેલી' કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રજા કલ્યાણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યાં છે. ભાવનગર જિલ્લાના વિવિધ 600 સ્થળે 1.10 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવશે તો ભાવનગર શહેરમાં 17 હજાર 500 લોકોનું રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કલેક્ટરની લોકોને અપીલ કરતાં જણાવ્યું કે, કોરોનાની રસીનો બીનજરૂરી ડર રાખ્યાં વગર જિલ્લાના રસીથી વંચિત તમામ લોકો રસીકરણ કરાવે તે જરૂરી છે. લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. કોરોનાની રસી સુરક્ષિત છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવાં માટે જિલ્લાના તમામ નાગરિકો રસીથી સુરક્ષિત બને તે આવશ્યક છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આરોગ્ય વિભાગની સઘન કામગીરીને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 75 ટકા લોકો અને શહેરમાં 85 ટકા લોકો કોરોનાનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યાં છે. જિલ્લામાં 50 હજાર લોકો બીજા ડોઝ માટે લાયક છે ત્યારે જે લોકો બાકી રહી ગયાં છે તે લોકો ઝડપથી આગળ આવે અને રસી લઇ લે તે માટે હિમાયત કરી હતી.

કમિશનર એમ. એ. ગાંધીએ જણાવ્યું કે, રસીકરણને પ્રેરિત કરવાં માટે કોર્પોરેશન તરફથી 18 હજાર લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ડોર ટૂ ડોર સર્વે કરીને ગ્રામ્ય સ્તરે લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...