તંત્રના આંખ મિચામણા:રાતના અંધકારમાં ઝેર ઠાલવતા ટેન્કરો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલંગની આજુબાજુમાં જમીનમાં બોર કરી ઠલવાતા પ્રવાહી કચરા અંગે તંત્રના આંખ મિચામણા

દક્ષિણ ગુજરાતમાં આવેલી કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતો ઝેરી પ્રવાહી કચરો ભાવનગર જિલ્લાના અલંગ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ઠાવવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો પુન: ઉઠી રહી છે. રાત્રિના સમયે તિવ્ર વાસ આવતી હોવાની ગ્રામ્યજનોમાં ફરિયાદ આવી રહી છે.વાપી, અંકલેશ્વર, ભરૂચ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં નાના-મોટી અનેક કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે. આવી ફેક્ટરીઓમાં તૈયાર કરવામાં આવતા ઉત્પાદનોમાંથી વધતો ઝેરી પ્રવાહી કચરાનો નિકાલ કેમ કરવો તેની મોટી સમસ્યાઓ હોય છે.

સામાન્ય રીતે આવા ઉદ્યોગકારો રાત્રિના સમયે ઝેરી પ્રવાહી ભરેલા ટેન્કર ગુજરાતની બોર્ડર પર આવેલા રાજસ્થાનના બિનરહેઠાણ ધરાવતા વિસ્તારો, રેતાળ વિસ્તારોમાં પધરાવી દેવામાં આવતા હોય છે. પરંતુ તેના માટે સ્થાનિક માણસો મોટી રકમ વસુલવા લાગ્યા હતા અને અધિકારીઓ પણ ગેરકાયદે પ્રવૃત્તિમાં આંખ આડા કાન કરવા માટે મોટી રકમની વસુલી કરવા લાગ્યા હતા. ઉપરાંત ત્યાં સુધીનું ટ્રાન્સપોર્ટેશનની રકમ વધુ ચુકવવી પડતી હતી અને રસ્તામાં આવતા ગામોમાં પણ કોઇ સામે મળી જાય તો તેઓને પણ નૈવેદ્ય ધરવા પડતા હતા.

આવી બાબતોથી કંટાળી અને ઝેરી કચરાના ટેન્કરોને અલંગ અને તેની આજુબાજુના ગામડા તરફ વાળવામાં આવી રહ્યા છે. બે-ત્રણ એજન્ટો દ્વારા પ્રતિ ટેન્કર 30હજાર સુધીની રકમ ઝેરી કચરો ખાલી કરાવવા માટે આપવામાં આવી રહી હોવાથી લાલચમાં પણ લોકો આવા ધંધા કરવા લાગ્યા છે. મોટાભાગે રાત્રિના સમયે આવા ટેન્કર અલંગ અને તેની આજુબાજુના ગામડાઓમાં પ્રવેશે છે, અને જ્યાંથી તે પસાર થાય છે તેની આજુબાજુ તિવ્ર ગંધ ફેલાવા લાગે છે. આવી તમામ બાબતોથી શું તંત્ર અજાણ હશે તેવી ચર્ચાઓ પણ ગ્રામ્યજનોમાંથી ઉઠી રહી છે. અગાઉ કાર્યવાહી થઇ ત્યારે આ કાળો ધંધો બંધ થઇ ગયો હતો.

સરપ્રાઇઝ ચેકિંગ થશે જરૂર પગલા ભરીશુ
ભાવનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં અન્ય શહેરોમાંથી ઝેરી કચરો લાવવાની બાબત અંગે સરપ્રાઇઝ ચેકિંગ કરાવવામાં આવશે. અગાઉ પણ કામગીરી કરવામાં આવી હતી. હજુ જો કોઇ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા હશે તેની સામે જરૂર પગલા ભરવામાં આવશે. > અે.જી.ઓઝા, પ્રાદેશિક અધિકારી, જીપીસીબી, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...