હડતાળનો પાંચમો દિવસ:ભાવનગરમાં તલાટી મંત્રીઓએ 75 વૃક્ષોનું રોપણ કરી નવતર વિરોધ પ્રદર્શન કર્યું

ભાવનગર12 દિવસ પહેલા
  • તલાટી મંત્રીઓ પડતર પ્રશ્નોને લઈ અચોક્કસ મુદ્દતની હળતાળ પર ઉતર્યા છે

ભાવનગર સહિત રાજ્યભરના તલાટી મંત્રીઓ પડતર પ્રશ્ને તા.2 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હળતાળ પર ઉતર્યા છે. ત્યારે આજે શનિવારે હડતાળના પાંચમા દિવસે અનોખીરીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા 2018 થી સતત લેખિત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી તલાટી મંત્રીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આજે તલાટી મંત્રીઓએ 75 વૃક્ષોનું રોપણ કરી નવતર વિરોધ નોંધાવ્યો હતો.

જિલ્લામાં 322 તલાટી મંત્રી હડતાળમાં જોડાયા
તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નો હલ નહીં થતા આજે શનિવારે પાંચમા દિવસે પણ હડતાળ યથાવત રહી હતી. જિલ્લામાં 322 તલાટી મંત્રી હડતાળમાં જોડાયા છે અને તલાટી મંત્રીઓ અવનવાં પ્રકારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 વૃક્ષોનું ટ્રી ગાર્ડ સાથે રોપણ કરી નવતર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

તલાટી મંત્રીઓની વિવિધ માંગણીઓ
વર્ષ 2004 થી વર્ષ 2006માં ભરતી થયેલા તલાટી મંત્રીઓની સળંગ નોકરી ગણવામાં આવી નથી. તેથી તેઓને બઢતીમાં નુકસાન થાય તેમ છે, જેને લઈ સળંગ નોકરી ગણવા માંગણી કરી છે. 12 અને 24 વર્ષે બે વાર ઉચ્ચતર પગાર માટે પરીક્ષા લેવામાં આવે છે તેથી પ્રથમ પરીક્ષા રદ કરવી, રેવન્યુ તલાટીની મોટાભાગની કામગીરી આ તલાટી મંત્રીઓ કરી રહ્યા છે તેથી તેનો સાથે સમાવેશ કરો, દરેક વિભાગની મોટાભાગની કામગીરી તલાટીઓ કરી રહ્યા છે તેથી કામ ભારણ વધ્યું છે, આ મુખ્ય માંગણીઓ તલાટીની છે. તેથી આ બાબતે તત્કાલ યોગ્ય પગલાં લેવા તલાટી મંત્રીઓએ માંગણી કરી છે.

વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નોનો સુખેદ ઉકેલ આવ્યો નથી
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સતત 2018થી લેખિત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી, આ અગાઉ 7-9-2021 ના રોજ હડતાળનું એલાન કરેલું હતું. પરંતુ એ સમયે સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનું સુખદ ઉકેલ લાવવાની બાહેધરી આપતા હડતાળ મોકૂફ રાખી હતી, જે બાહેધરી 9 માસ જેટલો સમય થવા છતાં અને વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નોનો સુખેદ ઉકેલ નહીં, આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે હડતાળ કરવાનો નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર
ભાવનગર જિલ્લાના તમામ કમ મંત્રીઓ મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા તા.13 થી 15 ઓગસ્ટ 2022 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણમાન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તલાટીઓ હડતાળ પર જતાં વિકાસની કામગીરી, સરકારી યોજનાના ફોર્મ, આવકના દાખલા સહિતની કામગીરી ખોરવાઈ હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...