રખડતા ઢોર મુક્ત ભાવનગર:નક્કર પગલા ભરી લોકોને ઢોરના ત્રાસમાંથી તંત્ર છોડાવે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં રખડતા ઢોરની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. ઢોરની અડફેટે અનેક માનવ જિંદગી હોમાઈ છે. ત્યારે આ સમસ્યા, તેનો શું ઉકેલ હોય શકે ? ભાવનગરને રખડતા ઢોર મુક્ત કઈ રીતે કરી શકાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા વર્ચુઅલ ટોક શોનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો, માલધારી આગેવાન જીવદયા પ્રેમીઓ અને વેપારીઓ જોડાયા હતા. રખડતા ઢોરની સમસ્યાના કાયમી નિવારણ માટે પાંજરાપોળમાં ઢોર મોકલવા સાથે તંત્ર દ્વારા પણ પાંજરાપોળ ઉભો કરે અને લોકો પણ જાગૃતિ કેળવે તો જ શક્ય બને તેવો એક સૂર ટોક શોમાં વ્યક્ત થયો હતો.

તંત્રની સાથે લોકો પણ જાગૃત બને
રખડતા ઢોરને કારણે ટ્રાફિકની, અકસ્માતની અને જિંદગી હોમાય છે તે બાબતની પીડા શું છે ? તે લોકો જાણે છે. કોર્પોરેશનમાં એક ખાસ વિભાગ છે તેનું ઓડિટ થવુ જોઈએ લોકોએ પણ જાગૃતિ દાખવવી જોઈએ રસ્તા વચ્ચે ગાયને રજકો ખવડાવવા કે રોટલી ખવડાવવાની તેમની ધાર્મિક પ્રવૃતિ છે તે એ રીતે કરવી જોઈએ સમાજને નડતર રૂપ ન થાય. - કીરીટભાઈ સોની, પ્રમુખ સૌરાષ્ટ્ર ચેમ્બર

તંત્ર તેની ફરજ બજાવે
કોર્પોરેશન માસ્ક ન પહેર્યો હોય તો દંડ કરે, પોલીસ ટ્રાફિક માટે દંડ કરે પણ રખડતા ઢોરોના ત્રાસ અંગે તંત્ર પોતાની ફરજ બજાવતુ નથી કાયદાનો અમલ કરાવો - દીલીપભાઈ શાહ , વેપારી

ઢોર પકડાઈ છે, માઈક્રો ચિપ લગાવાશે
કોર્પોરેશન દ્વારા 700 જેટલા ઢોરને પકડ્યા છે. પાંજરાપોળ સાથે પણ પત્ર વ્યવહાર શરૂ છે. આગામી દિવસોમાં RFID માઈક્રો ચીપ દ્વારા ઢોરને ટેગ મારવામાં આવશે. જેથી જીવનપર્યંત ઓળખ રહે. સિદસર ખાતે પણ નવો ઢોરનો ડબ્બાની સુવિધા ઉભી કરાઈ રહી છે.- ડો.મહેશ હિરપરા, વેટરનરી ઓફિસર

સામુહિક પ્રયત્નો જરૂરી
આ સમસ્યા ઘણી ગંભીર છે તેના કારણે અનેકે જિંગદીઓ ગુમાવી છે. આ માટે ગૌશાળા પાંજરાપોળને કોર્પોરેશન હેલ્પ કરે. બધા સામુહિક પ્રયત્નો કરી આ સમસ્યાનો ઉકેલ લાવીએ. માનવ જિંદગીઓ ઢોરની અડફેટે આવવામાંથી બચશે.-વિપુલભાઈ વડોદરીયા, વેપારી

તંત્ર પાંજરાપોળ ઉભી કરે
તંત્રએ નક્કર કામગીરી કરવી જરૂરી છે. પાંજરાપોળની સમસ્યા જાણવી જરૂરી છે. તંત્ર દ્વારા જ ગૌશાળા બનાવી સંસ્થાને સંચાલન સોપે તો પ્રશ્ન હલ થશે.- બ્રિજેશ શાહ, એનિમલ હેલ્પ લાઇન

મે મારા સ્વજન ગુમાવ્યા છે
આખલાએ મારા પરિવારના મોભીને ઢીકે ચડાવી મારી નાખ્યા હતાં. જેનું આજે પણ દુખ છે. તંત્ર દ્વારા રખડતા ઢોરનો કાયમી ઉકેલ જરૂરી છે. પાંજરાપોળ સાથે પણ સંકલન કરી તંત્ર દ્વારા ઢોરને મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. ઢોરને રખડતા મુકનારા સામે પણ પગલા જરૂરી છે. -અશ્વિનભાઇ મકવાણા, ભોગગ્રસ્ત પરિવાર

તંત્ર કાયમી નહીં નિભાવી શકે
રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ દરેક લોકો "મારૂ ભાવનગર"ના એક સૂર સાથે તંત્રને સહકાર આપે તો પ્રશ્ન ઉકેલાશે. સાથોસાથ સરકારે પણ ઢોર માટે ખાસ ગ્રાન્ટ ફાળવવી જોઈએ. ઢોર ડબ્બો ઉકેલ નથી. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ એવી નથી કે તે કાયમી નીભાવી શકે. રસ્તા પર રઝકો નાખવાનું પણ બંધ કરવું જોઈએ. -રાજેશ પંડ્યા, ચેરમેન આરોગ્ય કમિટી

માલધારી વસાહત માટે જમીન ફાળવો
ઢોરના પ્રશ્નના ઉકેલ માટે ત્રણ વર્ષ પહેલા પણ તત્કાલીન ગૌસેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથિરિયાને પણ રૂબરૂ રજૂઆત કરી હતી કે, નારી થી ચમારડીમાં સરકારી પડતર જગ્યામાં પશુપાલકોની વસાહત માટે જમીન ફાળવો પરંતુ સરકાર દ્વારા નક્કર પગલા લેવાતા નથી. કડકી કોર્પોરેશન રખડતા ઢોરનો નિભાવ નહીં કરી શકે. પ્રશ્નના ઉકેલ માટે માલધારી સમાજનો પણ સહકાર રહશે.- ભરતભાઈ બુધેલીયા, વિપક્ષી નેતા- માલધારી આગેવાન

મદદ માટે પોલીસ તૈયાર
તંત્રની વ્યવસ્થાને સહકાર આપવો જોઈએ છતા પણ લોકો ન માને તો કોર્પોરેશન કોઈ પગલા ભરે તેમા પોલીસની મદદ માંગશો ત્યારે મદદ માટે તૈયાર જ હોય છે. -જયપાલસિંહ રાઠોડ, SP

ગૌચર રહ્યા નથી, પાંજરાપોળ બનાવો
ઢોરનું મુળ કારણ ગૌચરની જમીન જ રહી નથી. સરકારની અનેક સર્વે નંબરની પડતર જમીન પડી છે. જેમાં કોર્પોરેશન દ્વારા પાંજરાપોળ બનાવી તેની જાળવણી કરે અને નિભાવ ખર્ચ પણ મેળવે - સાજણભાઈ રાઠોડ, પ્રાણી અત્યાચાર નિવારણ સોસા.સભ્ય

ઢોરનો ઉકેલ તંત્ર કરી શકે
કોર્પોરેશન સહિતના તંત્ર દ્વારા જ કાયમી ઉકેલ લાવી શકે. રખડતા ઢોરને કારણે ગંદકીનો પણ પ્રશ્ન ઉદભવે છે. જેથી ભાવનગરને સ્વચ્છતામાં સારા રેન્ક મળવામાં પણ મુશ્કેલી રહે છે. સમસ્યાના નિવારણ માટે જરૂર પડે ગૌશાળા ઉભી રહેશે. - ચેતન પટેલ, કામધેનુ ગૌશાળા

અન્ય સમાચારો પણ છે...