કૌભાંડની શંકા:કિસાન રાહત પેકેજ યોજનામાં કૌભાંડ? ગારીયાધારમાં 19 બિન ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થયાની કોંગ્રેસના નેતાનો આક્ષેપ, DDOએ તપાસ હાથ ધરી

ભાવનગરએક વર્ષ પહેલા
ભાવનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ખેનીએ નામના લિસ્ટ સાથે કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો - Divya Bhaskar
ભાવનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ખેનીએ નામના લિસ્ટ સાથે કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો
  • ગારીયાધાર તાલુકાના 19 બિન ખેડૂત ખાતેદારોના ખાતામાં 20-20 હજાર કિસાન સહાયની રકમ જમા થઈ

ભાવનગર કોંગ્રેસના જિલ્લા મહામંત્રી અને જિલ્લા પંચાયત સદસ્યના પતિ પી.એમ. ખેનીએ પત્રકાર પરિષદ યોજીને ગંભીર આક્ષેપ કર્યો હતો કે રાજય સરકાર દ્વારા કિસાન રાહત પેકેજ હેઠળ 3700 કરોડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સહાયની રકમ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે. ત્યારે ગારિયાધાર તાલુકાના 19 જેટલા બિન ખેડૂત ખાતેદારના ખાતામાં 20-20 હજાર કિસાન સહાયની રકમ જમા થઈ છે. જેમાં એજન્ટ દ્વારા બિન ખેડૂતના ખાતાની વિગતો લઇ 20 હજાર સામે 1500 કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી. આ અંગે ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી છે.

કૌભાંડમાં ગ્રામ સેવકનો રોલ શંકાના પરીઘમાં
એક જાગૃત નાગરિકે આ અંગે પી.એમ. ખેનીને ધ્યાન દોર્યુ હતું. જેથી તેમણે બેંકમાં જઈને તપાસ કરી અને જરૂરી આધાર પુરાવાઓ કઢાવ્યા અને બિન ખેડૂતોના એકાઉન્ટમાં રૂપિયા જમા થયાનું બહાર આવ્યું છે. વધમાં પી.એમ ખેનીએ જણાવ્યુ હતું કે ખેડૂતોને સહાય ચુકવતા પહેલા વીસી ત્યારબાદ ગ્રામ સેવક અને તાલુકા વિકાસ અધિકારી એપ્રુવલ કરી ખેતીવાડી અધિકારી પાસે જાય છે. ત્યાંથી નાણાંની ચુકવણી માટે હિસાબી શાખામાં જાય છે. આથી ખેતીવાડી અધિકારીથી લઈ તમામ સ્તરે મોટો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવ્યો હતો.

તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છેઃ DDO
ખેનીએ અમરેલી જિલ્લાના પીપરડી ગામે પણ બિન ખેડૂતના ખાતામાં રકમ જમા થઈ હોવાનું જણાવ્યું હતું. સરકારે રાજ્યના 123 તાલુકામાં રાહત પેકેજના 3700 કરોડ જાહેર કર્યા છે. ત્યારે એક ગારીયાધારમાં 19 બિન ખેડૂતોના ખાતામાં ગયા હોય તો જિલ્લામાં અને રાજ્યમાં કેવડું કૌભાંડ હશે. જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમારે આ આક્ષેપ બાબતે જણાવ્યું હતું કે રજુઆત આવી છે અને એક ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. જો કોઈ ગેરરીતિ સાબિત થશે તો જવાબદાર સામે કડક પગલાં લેવાશે. એટલું જ નહીં જો ગેરરીતિ સાબિત થશે તો જિલ્લા આખામાં તપાસ કરવામાં આવશે. 2,60,000 ખેડૂતો પૈકી 19 ફરિયાદ આવી છે અને તમામ ચકાસણી કરવામાં આવશે.

(ભરત વ્યાસ, ભાવનગર)