નોટિસ:જર્જરિત મિલકતોનો સર્વે શરૂ, 60 મિલકતોને અપાઈ નોટિસ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ગત વર્ષે દોઢસો મિલકતો હતી બિસ્માર
  • સંયુક્ત માલિકીના ફ્લેટો અને જૂના ભાડુઆતો મિલકતો ભયમુક્ત કરતા નથી અને નોટિસો પણ સ્વીકારતા નથી

ભાવનગર કોર્પોરેશનને ચોમાસુ નજીક આવે ત્યારે જ જર્જરિત મિલકતો યાદ આવે છે. હાલમાં એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની જર્જરિત મિલકતોનો સર્વે શરૂ કર્યો છે. અત્યાર સુધી 60 મિલકતોને ભય મુક્ત કરવાની નોટિસ પણ અપાય છે. ગત વર્ષે દોઢસો જેટલી મિલ્કતો જર્જરિત હતી પરંતુ તેમાં માત્ર નોટિસ સિવાય કોઈ કામગીરી કરાઇ ન હતી. જોકે તેમાં ભાડુઆતોના વિવાદો વધુ છે.

મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇ જર્જરિત મિલકતોનો સર્વે કરી તેનો ભોગવટો કરનાર વ્યક્તિઓને જર્જરિત ભાગ અથવા મિલકત રીપેરીંગ કરી અથવા તો ઉતારી લઈ ભયમુક્ત કરવા નોટિસો આપવાનું શરૂ કર્યું છે. શહેરમાં મોટાભાગની જર્જરિત મિલકતોમાં સંયુક્ત માલિકીના ફ્લેટો કે બાજુની મજમી ઈમારતોના કિસ્સામાં મિલકત ધારકો દ્વારા સંયુક્ત રીતે મિલકત ભય મુક્ત કરવામાં આવતી નથી. ઘણા કિસ્સાઓમાં વર્ષોથી નજીવા દરના ભાડે રહેતા લોકોને મિલકત માલિક રીપેરીંગ કરવા દેતા નથી અને પોતે પણ રીપેરીંગ કરાવતા નથી. 

ફ્લેટમાં પણ ઉપરના માળે જર્જરિત ભાગને રીપેરીંગ નહીં કરાવતા આખો ફ્લેટ જોખમકારક બને છે. અને આવા કિસ્સાઓમાં કોર્પોરેશન દ્વારા અપાયેલી નોટિસઓનો પણ સ્વીકાર કરવામાં આવતો નથી. જેથી કોર્પોરેશન દ્વારા રજીસ્ટર એડી થી અથવા તો મિલકત પર નોટિસ ચિપકાવી કાર્યવાહી કરવામાં આવે છે. ગત વર્ષે અંદાજે દોઢસો જેટલી મિલકતો જર્જરિત હાલતમાં હતી. ત્યારે આ વખતે લોકડાઉનને કારણે સર્વે મોડો શરૂ થતા હજુ 70 મિલકતોની તપાસણી કરવામાં આવી છે તે પૈકી 60 મિલકતો જર્જરિત જણાતા તેઓને ભયમુક્ત કરવા નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...