તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાભાવી:કોરોનાની સારવાર માટેના ઉપકરણો ખરીદવા માટે સુમીટોમો કેમિકલ કંપનીએ કલેક્ટરને 20 લાખનો ચેક અર્પણ કર્યો

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામારીનો સામનો કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓનો સહકાર સાંપડ્યો છે - ગૌરાંગ મકવાણા, કલેકટર

કોરોનાના દર્દીઓની પૂરતી સારવાર કરી શકાય તથા તેમને પુરતી સગવડ મળે તે માટે અમુક સાધનો તથા ઓક્સિજન ટેન્ક તથા અન્ય ઉપકરણોની જરૂરિયાત હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં રિનોવેશનની જરૂરિયાત હતી. તેવી જાણ થતાં કોરોનાના આ મુશ્કેલ સમયમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા આજે ભાવનગર કલેકટરને રૂ.20 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અનેક પ્રકારની મદદ સમાજસેવી સંસ્થાઓ અને કંપનીઓ તરફથી મળી

કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આ અવસરે જણાવ્યું કે, કોરોનાની લડાઈમાં રાજ્ય સરકાર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ અને કંપનીઓ તરફથી સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક પ્રકારની મદદ મળી છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર, કોરોનાની સારવાર માટેના સાધનો, અન્ય ઉપકરણો વગેરે ખરીદવા માટે સમયે-સમયે અનેક પ્રકારની મદદ સમાજસેવી સંસ્થાઓ અને કંપનીઓ તરફથી મળી છે. જેનાથી કોરોનાના દર્દીઓની વધુ સારી સેવા કરી શકાઈ છે. અને તેના દ્વારા ભાવનગરમાં કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા માટે ઘણી મદદ મળી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગત વર્ષે પણ રૂ.20 લાખની સહાય આપી હતી

કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને તેની ઝપેટમાં લીધું છે તે વખતે રાજ્ય સરકારની સાથે-સાથે સમાજસેવી સંસ્થાઓ અને સામાજિક દાયિત્વ અદા કરતી કંપનીઓ પણ સરકાર સાથે 'હમ સાથ-સાથ હૈ' ની ભાવનાથી આ લડાઈમાં સામેલ થઈ છે. ગત વર્ષે પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે ભાવનગર કલેકટરને રૂ.20 લાખનો ચેક સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ, ભાવનગર દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના પ્રદિપસિંહ ગોહિલ, ડો.અમિતભાઈ મહેતા, ડો.સંજયભાઈ વડોદરિયા, રાજેન્દ્રસિંહ ઝાલા, રાજીવભાઈ પંડ્યા, પરેશભાઈ પાઠક ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...