CNC મશીન:જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓએ મશીન વિકસાવ્યું

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓટોમેટિક ડ્યુઅલ એક્સિસ વૂડ ટર્નિંગ મશીનનું નિર્માણ

મહુવા, ભાવનગર અને ગોધરા સહિત રાજ્યના કેટલાક શહેરો લાકડાની વિવિઘ વસ્તુઓ જેવી કે ખાટલી, પાટલી, વેલણ, લાકડાના મંદિર વગેરે બનાવવા માટે પ્રખ્યાત છે. આ તમામ વસ્તુઓ બનાવવા માટે લાકડા પર ટર્નિંગ ઓપરેશન કરવું પડે છે. આ ટર્નિંગ ઓપરેશન માટે સામાન્ય ભાષામાં કહીયે તો "સંઘેડા' નામનું મશીન દરેક ઉત્પાદકો વાપરતા હોય છે.

આ સંઘેડાની મર્યાદા એ છે, કે જોબ (જે આઈટમ બની રહી હોય તેને)ને હોલ્ડ કરવા માટે કોઈ ખાસ સુવિધા નથી બીજી મર્યાદા એ છે કે જો કુશળ કારીગર દ્વારા આ ઓપરેશન ના કરાય તો જોબનું ફિનિશિંગ તથા ડાયમેન્શનલ એક્યુરસી નથી મળતી. આ તમામ મર્યાદા અને તકલીફોને ધ્યાનમાં લઈને તેના ઉકેલ માટે જ્ઞાનમંજરી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ભાવિ ઇજનેરોએ એક ઓટોમેટિક ટર્નિંગ મશીન, ડ્યુઅલ એક્સિસ CNC મશીનનુ નિર્માણ કર્યું છે.

મિકેનિકલ ખાતાના પ્રો. જય ભટ્ટના માર્ગદર્શન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ ઓમ દેવાણી, નિરલ સુતરીયા, મીત હરસોરા, હર્ષ વાછાણી, તથા તનિષ આચાર્ય દ્વારા એક ઓટોમેટિક ટર્નિંગ મશીન તૈયાર કરવામાં આવ્યું છે જે કોઈપણ માણસ ઓપરેટ કરી શકે. આ મશીનની ખાસિયત જોઈએ તો જે આઈટમ બનાવવાની હોય તેની ડિઝાઇન એક વખત સોફ્ટવેરમાં તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ આ ડિઝાઇનને મશીન સમજી શકે તેવા કોડમાં કન્વર્ટ કરીને ઇન્સર્ટ કરાવવામાં આવે છે.

જેનો ફાયદો એ છે કે એક વખત બની ગયેલી ડિઝાઇન ભવિષ્યમાં ક્યારે પણ ફરી બનાવવી હોય તો માત્ર એક જ ક્લિકથી શક્ય બને! વળી આ મશીનમાં ઘણા બધા અલગ પ્રકારના ઓબ્જેક્ટને હોલ્ડ કરવા માટે ચકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મશીનના ઉપયોગથી કારીગરની કુશળતા પર અવલંબન રાખવું નહીં પડે! કોઈપણ સામાન્ય વર્કર મશીનને ઓપરેટ કરી શકશે.

મશીનની ટેકનોલોજી
મશીનની ટેક્નોલોજી વિષે ટૂંકમાં વાત કરીયે તો હાલમાં વપરાતા CNC મશીન્સમાં PLC ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ મશીનમાં આર્ડયૂનો તથા રાસબેરી પાઇ નામના કંટ્રોલર અને પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ઓપરેટિંગ સિસ્ટમ, મોટર ડ્રાઇવરને કમાન્ડ આપવા તથા ડિસ્પ્લે કોમ્યુનિકેશન જેવા અલગ અલગ ફંક્શન કરે છે.

મોટર ડ્રાઇવરને કમાન્ડ આપવાથી તે બે હાઈ કેપેસીટી સ્ટેપર મોટર્સને ડ્રાઇવ કરે છે. આ બે મોટર્સ બે દિશામાં કટિંગ ટૂલને મોશન આપે છે જેના દ્વારા ટર્નિંગ ઓપરેશન સરળતાથી થઇ શકે. આ ટેક્નોલોજી પોર્ટેબલ છે, એટલે કે તે કોઈપણ ડ્યુઅલ એક્સિસ મશીન સાથે કનેક્ટ થઇ શકે છે, તથા કોસ્ટમાં PLC ઓપરેટેડ મશીન્સ કરતા ખુબ જ સસ્તી છે!

અન્ય સમાચારો પણ છે...