કામગીરી:GSTની ચકાસણીમાં 229 બોગસ પેઢી મળતા કડક ઝુંબેશ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં રોજ દિવસ ઉગે અને બજારમાં જીએસટીના અધિકારીઓ સામા મળે છે. ક્યારે સ્ટેટ જીએસટી, તો ક્યારેક સીજીએસટી, ઓચિંતા ડીજીજીઆઇ પણ આંટા-ફેરા મારી જાય છે. છેલ્લા બે દિવસથી સ્ટેટ જીએસટીની મોટા પાયે ચાલી રહેલી કામગીરી બાદ હવે સીજીએસટીને પણ શૂરાતન ચડ્યુ છે.

સીજીએસટીની 6 ટીમો દ્વારા ભાવનગરમાં જીએસટી રજીસ્ટ્રેશનમાં દર્શાવેલા દસ્તાવેજો મુજબની ચકાસણીઅો કરવામાં આવી રહી છે. સીજીએસટી તંત્રને શંકા છે કે 60 ટકા રજીસ્ટ્રેશનમાં ગરબડ છે, અને તેના માટે સ્થળ ચકાસણીઓ શરૂ કરવામાં આવી છે.

તાજેતરમાં સ્ટેટ જીએસટીના ભાવનગર એકમ દ્વારા સ્થળ ચકાસણીઓ કરવામાં આવી હતી. બે દિવસની કસરત બાદ 322 પેઢીઓની ચકાસણીઓ કરવામાં આવી હતી અને તેમાંથી 229 પેઢીઓના રજીસ્ટ્રેશનમાં દર્શાવ્યા મુજબના માલીક, એડ્રેસ, મોબાઇલ નંબર, બેંક ખાતા સહિતની બાબતો મળી આવી ન હતી, અને તેઓની સામે કાર્યવાહી કરી અને નંબર રદ્દ કરવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે. આ 229 બોગસ પેઢીઓ દ્વારા 2750 કરોડનું બોગસ બિલિંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સ્ટેટ જીએસટી અન્વેષણ વિંગ દ્વારા કોમ્પ્યુટરમાં ચકાસણીઓ હાથ ધરવામાં આવેલી છે જેમાંથી 4250 પેઢીઓના જીએસટી રજીસ્ટ્રેશન શંકાના પરિઘમાં આવ્યા છે. ભાવનગરમાં નવનિયુક્ત સીજીએસટી કમિશનર અમરજીતસિંઘે મંગળવારે અધિકારીઓ, કર્મચારીઓની મીટિંગ બોલાવી હતી અને તેમાં બોગસ બિલિંગ અંગે પરિણામલક્ષી કામગીરી કરવા આદેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...