સમસ્યા:ભાવનગરના વલ્લભીપુરના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટો બંધ, અંધારામાં ગંભીર અકસ્માત અને અસામાજિક તત્વોનો ઝળુંબતો ભય

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર પાંચ કે છ વિજપોલ બાદ એકાદ થાંભલા પર માંડ સ્ટ્રીટ લાઈટ ચાલુ
  • નવરાત્રી અને દિવાળી જેવા રોશનીના તહેવારો આવી રહ્યા છે છતાં શહેરમાં અંધકાર

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરના મુખ્ય માર્ગો પર છેલ્લા બે મહિનાથી સ્ટ્રીટ લાઈટો એક પછી એક બંધ થતી જાય છે, છતાં તંત્રની બેદરકારીના લીધે તેમાં કોઇ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી. મુખ્ય માર્ગ પર દર પાંચ કે છ વિજપોલ બાદ એકાદ થાંભલા પર સ્ટ્રીટ લાઈટ ચાલુ છે.

ચોમાસા દરમિયાન વલ્લભીપુર શહેરના નાગરિકોને સળંગ સ્ટ્રીટ લાઈટના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવનારા દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા રોશનીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર તંત્રની બેદરકારીના લીધે અંધકાર છવાયેલો છે.

અધિકારીક સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, નગરપાલિકા પાસે બંધ સ્ટ્રીટ લાઈટ બદલવા ઉપયોગમાં લેવાતી સીડી જ નથી. પીજીવીસીએલ પાસે વારંવાર સીડીની માંગ કરી હોવા છતાં બંધ લાઈટો બદલવા માટે વીજ કંપની સીડી આપવા તૈયાર નથી. શહેરના નાગરિકોને રાત્રીના અંધકારને કારણે ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. ત્યારે યોગ્ય સંકલનના અભાવે જનસુરક્ષા પર જોખમ તોળાઈ રહ્યું છે. આશરે બે મહિનાથી બંધ સ્ટ્રીટલાઈટો સત્વરે ચાલુ થાય એવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...